Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

જસદણમાં ઈદે મિલાદની ઉજવણીઃ ભવ્ય ઝુલુસ

મુસ્લિમ બિરાદરો દ્વારા વાએઝ, ન્યાઝ સહિતના કાર્યક્રમો

જસદણ, તા. ૨૧ :. આજે સુન્ની મુસ્લિમ બિરાદરોએ અમન અને અકીદત સાથે ઉમટી ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરી પોતાના પયગંબરને ગર્વભેર યાદ કર્યા હતા. ઈસ્લામ ધર્મના સ્થાપક અને દુનિયાભરને માનવતાના પાઠ શીખવાડનારા ઈઝરત મોહંમદ મુસ્તુફા (...)નો આજે બુધવારે ૧૪૪૭મો જન્મ દિવસ હોય તેમની સ્મૃતિમાં દર વર્ષે ઈદે મિલાદ ઉજવાય છે.

જસદણ, વિંછીયા, આટકોટ, ભાડલા જેવા અનેક ગામોમાં છેલ્લા ૧૨ દિવસથી સુન્ની મુસ્લિમ બિરાદરોએ પોતાના રહેઠાણ અને રોજગારલક્ષી સાધનોમાં નયનરમ્ય રોશની વાએઝ, ન્યાઝ જેવા અનેકાએક કાર્યક્રમો યોજી પયગમ્બર સાહેબને યાદ કર્યા હતા પણ આજે ઈદે મિલાદના દિવસે શહેરના જુમ્મા મસ્જિદેથી સવારમાં એક સુન્ની મુસ્લિમ બિરાદરોનું ભવ્ય ઝૂલુસ નીકળી અમન ભાઈચારાનો સંદેશ ફેલાવ્યો હતો.

આજે નબી સાહેબની સ્મૃતિમાં મુસ્લિમ બિરાદરોએ સવારે ત્રણ કલાક રજા પાળી ઝૂલુસમાં જોડાઈને નાના બાળકોને રાજી કર્યા હતા. દરમિયાન ઈકરા શૈક્ષણિક સંકુલના સંચાલક રફીકભાઈ હબીબભાઈ મીઠાણીએ જણાવ્યુ કે આજે નબી સાહેબની જન્મ જયંતિ પ્રસંગે નાનાથી મોટેરા દરેકને ખુશી છે અને તેમની સ્મૃતિમાં સળંગ બાર દિવસથી આ ખુશી મનાવાઈ રહી છે.

(1:52 pm IST)