Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

પ્રદેશ કોંગ્રેસમાં મોરબીના કે.ડી. બાવરવા-જયેશ કાલરીયાની મંત્રી તરીકે વરણી

મોરબી તા.૨૧: વર્ષોથી મોરબી જિલ્લામાં કોંગ્રેસ-ખેડૂત અગ્રણી તરીકે સેવાઓ આપનાર મોરબીના કે.ડી. બાવરવાની પ્રદેશ કોંગ્રેસમાં નિમણૂંક કરવામાં આવી છે. હાલમાં રાહુલગાંધીની ટીમના સદસ્ય તરીકે તેઓ દિપકભાઇ બાબરીયાની આગેવાની હેઠળ મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં કોંગ્રેસ સંગઠનને મજબુત બનાવવાની કામગીરી છેલ્લા માસથી કરી રહયા છે.

તેમની કામગીરીની કદર કરતા પ્રદેશ કોંગ્રેસ નેતાગણ દ્વારા તેમને મંત્રી તરીકે નિમણૂંક આપવામાં આવી છે. તેમણે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મંત્રી તરીકે સેવાઓ આપી છે. રાજીવગાંધી પંચાયતીરાજ સંગઠન હેઠળ તેમણે મોરબી પંથકના તમામ ગામડાઓનો પ્રવાસ કરી લોકોના -ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી છે. લાયન્સ કલબ મોરબી  ઉમીયા સર્વિસ કલાસના પ્રમુખ તરીકે સેવાઓ આપનાર તેઓ હાલમાં પણ સેતુબંધ ફાઉન્ડેશન મોરબીના પ્રમુખ પદે રહી સેવાઓ પ્રદાન કરી રહયા છે.

પ્રદેશ કોંગ્રેસના મંત્રી તરીકે બીજી નિમણૂંક મૂળ ચકમપરના અને વર્ષોથી મોરબીને પોતાનું કાર્યક્ષેત્ર બનાવનાર યુવા, નિડર અગ્રણી જયેશભાઇ કાલરીયાની કરવામાં આવી છે. તેઓએ ગ્રેજયુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. શૈક્ષણિક કાર્યથી તેઓ કોંગ્રેસના એન.એસ.યુ.આઇ.થી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી.

વર્ષ ૨૦૦૦માં પ્રથમ મોરબી તાલુકા પંચાયતની ચૂંટણી લડયા હતા ૨૦૦૫થી ૨૦૧૦ સુધી મોરબી તાલુકા પંચાયતના વિપક્ષી નેતા તરીકે અને ૨૦૧૩થી ૨૦૧૬ મોરબી શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ તરીકે જવાબદારીઓ સંભાળી હોય બંન્ને હોદેદારો કે.ડી. બાવરવા (૯૮૨૫૨૩૯૯૯૨) તેમજ જયેશભાઇ કાલરીયા (૯૮૨૫૨ ૮૧૪૦૨) પર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:46 pm IST)