Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

જસદણમાં મધુરમ કન્‍ટ્રકશન એજન્‍સીનું બીલ ચુકવનાર સામે કાર્યવાહીની માંગણી

પાલિકા કારોબારી ચેરમેન બીજલભાઇ ભેંસજાળીયાની ઉચ્‍ચકક્ષાએ લેખીત રાવ

આટકોટ તા. ૨૧ : જસદણમાં નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવા રોડ-રસ્‍તા બનાવવાના ખાતમુહુર્ત કરવામાં આવ્‍યા હતા. જેમાં જસદણ નગરપાલિકાએ નવા ડામર રોડ બનાવવાનો કોન્‍ટ્રાક્‍ટ મધુરમ કન્‍ટ્રકશન એજન્‍સીને આપ્‍યો હતો. પરંતુ શહેરના વાજસુરપરા સહિતના વિવિધ વિસ્‍તારોમાં કોન્‍ટ્રાક્‍ટર દ્વારા રોડના કામમાં ગેરરીતી આચરતા નગરપાલિકાના કારોબારી ચેરમેન બીજલભાઈ ભેસજાળીયા દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્‍યો હતો અને મધુરમ કન્‍ટ્રકશન એજન્‍સીનું બીલ અટકાવવા લેખિત માંગ કરી હતી. પરંતુ જસદણ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ મધુરમ કન્‍ટ્રકશન એજન્‍સીને રૂ.૬૦ લાખનું બીલ ચૂકવી દેતા કારોબારી ચેરમેને રાજકોટ પ્રાદેશિક કમિશનર સહિતનાઓને લેખિત રાવ કરતા પાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

આ અંગે જસદણ નગરપાલિકાના સત્તાધારી કારોબારી ચેરમેન બીજલભાઈ ભેસજાળીયાએ રાજકોટ પ્રાદેશિક કમિશનર સહિતના અધિકારીઓને મધુરમ કન્‍ટ્રકશન એજન્‍સીને બીલ ચુકવનાર અધિકારીઓ સામે પગલા ભરવા લેખિત રાવ કરી છે. જેમાં જણાવ્‍યું છે કે, જસદણ શહેરમાં વાજસુરપરા સહિતના વિવિધ વિસ્‍તારોમાં મધુરમ કન્‍ટ્રકશન એજન્‍સી દ્વારા નવા ડામર રોડ-રસ્‍તા બનાવવામાં આવ્‍યા હતા. તેમાં તેમણે ગેરરીતી આચરી હોવાથી તેનું બીલ ન ચુકવવા ગત તા.૨૫-૬-૨૦૧૮ના પત્રથી ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ કરી હતી. ત્‍યારબાદ મધુરમ કન્‍ટ્રકશન એજન્‍સીએ જયાં નબળા કામો થયા હશે ત્‍યાં સુધારો કરી આપવાની ખાતરી આપતા પાલિકાએ તેના વિરૂધ્‍ધ કોઈ પગલા લીધેલ ન હતા. પરંતુ આજદિન સુધીમાં મધુરમ કન્‍ટ્રકશન એજન્‍સીએ એક પણ જગ્‍યાએ નબળા થયેલા રોડ-રસ્‍તાનું રીપેરીંગ કામ કરેલ ન હોવા છતાં નગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ મધુરમ કન્‍ટ્રકશન એજન્‍સીને અમને વિશ્વાસમાં લીધા વગર રૂ.૬૦ લાખનું બીલ ચૂકવી દીધેલ છે તેવા આક્ષેપો કરી જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

આ અંગે જસદણ નગરપાલિકાના કારોબારી ચેરમેન બીજલભાઈ ભેસજાળીયાએ જણાવ્‍યું હતું કે, અમારી ફરિયાદનું પાલિકાએ નિરાકરણ કર્યા વગર જ મધુરમ કન્‍ટ્રકશન એજન્‍સીને રૂ.૬૦ લાખનું બીલ ચૂકવી દીધેલ છે. જેથી અમે રાજકોટ પ્રાદેશિક કમિશનર સહિતનાને લેખિતમાં રાવ કરી છે અને છતાં કોઈ પાલિકાના જવાબદાર અધિકારીઓ વિરુધ્‍ધ પગલા ભરવામાં નહી આવે તો આંદોલન કરવાની ફરજ પડશે.

 

(1:57 pm IST)