Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ટેકાના ભાવે મગફળી ખરીદીમાં જામનગર જિલ્લામાં ખેડૂતોને તકલીફ ન પડે તે માટે સતર્કતા : કલેકટર રવિશંકર

જામનગર તા. ૨૧ : ખરીદ સીઝન ૨૦૧૮-૧૯ અંતર્ગત ટેકાના ભાવે મગફળી ખરીદી અનુસંધાને કલેકટરશ્રી રવિશંકરના અધ્‍યક્ષ સ્‍થાને એક પ્રેસ કોન્‍ફરન્‍સનું આયોજન કલેક્‍ટર કચેરીના સભાખંડમાં કરવામાં આવેલ હતું.

આ પ્રેસ કોન્‍ફરન્‍સમાં પત્રકારોને સંબોધતા કલેકટરશ્રી રવિશંકરએ જણાવ્‍યું કે, જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદ કરવાની શરૂઆત તા. ૧૫ નવેમ્‍બરથી થઇ ગયેલ છે. જેમાં જિલ્લાના ખેડૂતોએ મગફળી આપવા માટે ઓનલાઇન નોંધણી કરાવેલ છે. ટેકાના ભાવે મગફળી ખરીદી માટે એ.પી.એમ.સી. ખાતે સમયાંતરે હું અને મારી ફાઇલિંગ સ્‍કોડ દ્વારા મુલાકાત લઇને ચેકીંગ કરીએ છીએ. લોકો એ.પી.એસ.સી. ખાતે પડાપડી ન કરે તે માટે પુરતો પોલીસ બંદોબસ્‍ત પણ રાખવામાં આવેલ છે.

ખેડૂતોને કોઇ પણ જાતની તકલીફ ન પડે તે માટે વહિવટી તંત્ર સતર્કતા દાખવે છે તે તેમ જણાવતાં કલેકટરશ્રી રવિશંકરએ વધુમાં ઉમેર્યું કે, ટેકાના ભાવે થતી મગફળીની ખરીદી એકદમ પારદર્શી રીતે કરવામાં આવે છે. મગફળીના સેમ્‍પલો લેવાથી માંડીને ચેક કરવા સુધીની તમામ પ્રક્રિયાઓની વિડિયોગ્રાફી કરવામાં આવે છે. મગફળીના સેમ્‍પલો નાફેડના અધિકારીશ્રીઓ દ્વારા સરકારશ્રીની સુચના મુજબ ચારે ખુણેથી અને વચ્‍ચેથી તથા ઉપર અને નીચે થી મગફળી લઇને પુરતી ચકાસણી કરીને ત્‍યારબાદ જ ખેડૂત પાસેથી ખરીદ કરવામાં આવે છે.

કલેકટરશ્રી રવિશંકરએ વધુમાં ટેકાના ભાવે મગફળી ખરીદ કરીને મુલકવામાં આવતા ગોડાઉનનો ઉલ્લેખ કરીને જણાવ્‍યું કે, ટેકાના ભાવે મગફળીની ખરીદ કરીને તેને બારદાનમાં મશીનથી વ્‍યવસ્‍થિત રીતે પેક કરીને સરકારી ગોડાઉનમાં રાખવામાં આવે છે. જયાં ફાયર સેફટીની પુરી વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ છે. તદઉપરાંત ગોડાઉનને સી.સી.ટી.વી. કેમેરાથી પણ સજ્જ કરવામાં આવેલ છે. સરકારી ગોડાઉન ફુલ થયે મગફળીઓ પ્રાઇવેટ ગોડાઉનમાં રાખવામાં આવશે ત્‍યાં પણ ફાયર સેફટી સાધનોની પુરે પુરી વ્‍યવસ્‍થા કરવામાં આવશે. પ્રાઇવેટ ગોડાઉનો રાખવામાટે ગુજરાત રાજય અન્ન અને નાગરિક પુરવઠા નિગમ લી. દ્વારા  પ્રાઇવેટ ગોડાઉન ઘારકો સાથે કરાર કરવા માટે વતચીત ચાલુ છે.

રાજય સરકારશ્રીમાં કરેલી રજુઆત રાજય સરકારે સાંભળીને દરેક એ.પી.એમ.સી. ખાતે નાફેડના બે કે ત્રણ અધિકારીઓ ખેડૂતોના સેમ્‍પલ લેવા માટે મુકેલ છે. જેથી ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદ કરવાની પ્રકિયા ઝડપથી કરી શકાય અને ખેડૂતોને વધારે સમય રાહ જોવી ન પડે તે માટે પણ વહિવટી તંત્ર સતર્ક હોવાનું કેલક્‍ટરશ્રીએ જણાવેલ હતું.

આ વાર્તાલાપ દરમિયાન તેમની સાથે અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્‍દ્ર સરવૈયા તથા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી જાડેજા ઉપસ્‍થિત રહયાં હતા.

(1:04 pm IST)