Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ભાવનગરમાં જામીન અરજીના વાંધા રજુ કરવા ગયેલ વેપારીના બહેનને છરી બતાવી ખંડણીની ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી

ભાવનગર તા. ૨૧ : ભાવનગરમાં સ્‍ક્રેપના વેપારીને ધમકી આપી ખંડણી માંગવાના ગુન્‍હામાં ઝડપાયેલા આરોપીઓની જામીન અરજી સંદર્ભે વાંધા રજુ કરવા કોર્ટમાં ગયેલી વેપારીની બહેનને ૯ થી ૧૦ શખ્‍સોએ છરી બતાવી ખંડણીની ફરિયાદ પાછી ખેંચી લેવાની ધમકી આપ્‍યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

શહેરના શિશુ વિહારમાં રહેતા અને સ્‍ક્રેપનો વ્‍યવસાય કરતા આસીફભાઇ ફતાણીએ બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં ત્રણ શખ્‍સો વિરૂધ્‍ધ ખંડણી માંગ્‍યાની ફરિયાદ નોંધાવ્‍યા બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.

દરમિયાન આરોપીઓએ ભાવનગરની એડી. ચીફ જયુડીશ્‍યલ કોર્ટમાં જામીન અરજી કરી હોય વાંધાઓ રજુ કરવા કોર્ટમાં ગયેલ સમીમબેન ઉસ્‍માનગની ફતાણીએ સી-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓને ઘોડાવવા આવેલા ઇમ્‍તીયાઝ રજાકભાઇ સમોસાવાળા અને તેની સાથેના ૯ છોકરાઓએ છરી બતાવી ખંડણીની ફરીયાદ પાછી ખેંચી લેવાનું કહી અન્‍યથા જાનથી મારી નાખવાની ધમકી આપી બિભત્‍સ ચેનચાળા કર્યા હતા.

આ અંગે પોલીસે ગુન્‍હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દાઝી જતાં મોત

મહુવામાં રહેતી અનિતાબેન દામજીભાઇ ડોળાશીયા (ઉ.વ.૧૪) તેણીના ઘેર ગંભીર રીતે દાઝી જતાં અત્રેની સર ટી. હોસ્‍પિટલ ખસેડાયેલ જ્‍યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્‍યું હતું.

 

(11:25 am IST)