Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ચલાલાના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યાં

ભાજપના કાર્યકર્તા પીએમ નરેન્દ્ર મોદીની વાત પણ નથી માનતા : આગામી પેટાચૂંટણીને અનુલક્ષીને ચલાલા ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

અમરેલી,તા.૨૧ : મંગળવારે સાંજે છ વાગ્યે પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે કોરોના પ્રત્યે ચાવચેતીના પગલાં ભરવા પર ભાર મૂક્યો હતો. આ માટે તેઓએ વેક્સીન ન આવે ત્યાં સુધી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવાનું કહ્યું હતું. આ ઉપરાંત લોકોને જરા પણ બેદરકાર ન રહેવાની સલાહ આપી હતી. જોકે, એવું લાગી રહ્યું છે કે પીએમ મોદીની સલાહ ખુદ તેમની જ પાર્ટીના કાર્યકર્તા જ માની રહ્યા નથી! હાલ ગુજરાતમાં પેટા ચૂંટણીની સિઝન ચાલી રહી છે ત્યારે ઠેરઠેર સભાઓ થઈ રહી છે. ધારી બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી હોવાથી ચલાલા ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થયું ન હતું. મળતી માહિતી પ્રમાણે ચલાલા ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના જાણે લીરેલીરે ઉડ્યા હોય તેવો માહોલ હતો.

                આ ઉપરાંત અનેક લોકો અહીં માસ્ક વગર જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં શંભુપ્રસાદ ટૂંડિયા, સાંસદ નારણ કાછડિયા, દિલીપ સંઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. કાર્યાલયના ઉદ્ઘાટન બાદ અહીં સભા પણ યોજવામાં આવી હતી. ધારી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના અને માસ્કના નિયમોનું પાલન નથી થઈ રહ્યું. ફક્ત ભાજપની જ વાત નથી પરંતુ કૉંગ્રેસની રેલીઓમાં પણ આવો જ માહોલ જોવા મળે છે. પીએમ મોદીએ ગઈકાલે જ લોકોને અપીલ કરી છે

             ત્યારે ભાજપના જ આગેવાનો નિયમોને નેવે મૂકી રહ્યા છે તે ચર્ચાનો વિષય બન્યો છે. ધારી વિધાનસભા બેઠકની ચૂંટણીના પ્રચાર માટે ભાજપ તરફથી હવે મોટા નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. આજે ચલાલા ખાતે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન અને વિજય વિશ્વાસ સંમેલન શંભુપ્રસાદ ટૂંડિયાની આગેવાનીમાં યોજાયું હતું. ભાજપના આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોના ઘજાગરા ઉડ્યા હતા. ભાજપના કાર્યકરો અને નેતાઓ જાણે કે કોરોના મહામારી ખતમ થઈ ચૂકી હોય તેવું જાહેરમાં વર્તન કરતા જોવા મળ્યા હતા. આ અંગે શંભુપ્રસાદ ટૂંડિયાએ માધ્યમો સાથે વાત કરતી વખતે પ્રધાનમંત્રીની અપીલનું પાલન થયું હોવાની વાત કરી હતી. પરંતુ સ્થળ પર જે દ્રશ્યો જોવા મળ્યા હતા તે તેમના લૂલા બચાવની ચાડી ખાતા હતા. ઉલ્લેખનીય છે કે ધારી વિધાનસભા બેઠક કબજે કરવા માટે ભાજપ અને કૉંગ્રેસ પાર્ટી તરફથી સતત સભાઓ અને બેઠકો યોજવામાં આવી રહી છે.

(7:38 pm IST)