Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

માલિકને મકાનોનો કબજો પાછો અપાવતી અમરેલી જિલ્લા પોલીસ

માલિકને મકાનોનો કબજો પાછો અપાવતી અમરેલી જિલ્લા પોલીસમાથાભારે ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે મકાનો પચાવી પાડતા કાર્યવાહ

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી, તા.૨૧:મધ્યમ વર્ગના માણસો આખી જિંદગીની કમાણી ખર્ચી, આશરા માટે રહેણાંક મકાન ખરીદતા હોય છે. આવા રહેણાંક મકાનો પર જયારે માથાભારે ઇસમો ગેરકાયદેસર રીતે, ધાક ધમકીથી, ડરાવી, ધમકાવી કબજો કરી લેતા હોય છે, ત્યારે આવા માથાભારે ઇસમોની બીક અને ભયના કારણે ભોગ બનનાર તેમના વિરૂધ્ધ ફરિયાદ કરતા નથી કે કયાંય રજુઆત કરતા નથી.

આવો જ એક બનાવ અમરેલી જિલ્લાના ધારી વિસ્તારમાં બનવા પામેલ હતો. અજયભાઇ મનુભાઇ સોની, રહે.જીરા, તા.સાવરકુંડલા તથા વિનોદભાઇ પોપટભાઇ પડશાળા, રહે.સરસીયા, તા.ધારી તથા દિપકભાઇ બાલાભાઇ કથીરીયા, રહે.મોટા ગોખરવાળા, તા.જિ.અમરેલી વાળાઓએ મળીને ધારીમાં સરદારનગર રેસીડેન્સીનું નિર્માણ શરૂ કરેલ હતું, જેમાંથી કુલ ૨૬ મકાનો બની ગયેલ હતાં. આ ૨૬ મકાનોમાંથી ૩ મકાનો વેચાઇ ગયેલ અને બાકીના મકાનો બંધ હાલતમાં પડેલ હતાં. આ બંધ મકાનોમાંથી કુલ ૫ મકાનો ઉપર સને ૨૦૧૮ થી ધારીના માથાભારે અને પ્રોહિ પ્રવૃતિ કરતા ઇસમો રામ કમાભાઇ મેર તથા લક્ષ્મણ કમાભાઇ મેર દ્વારા ગેરકાયદેસર કબજો જમાવવામાં આવેલ. કબજો કરેલ ૫ મકાનોમાંથી ૩ મકાનોમાં તેઓ પોતે રહેતા હતાં, અને ૨ મકાનો તેમણે ભાડે આપી દીધેલ હતાં. આ ૨૬ મકાનો પૈકીનું એક મકાન જે બગસરાના સંજયભાઇ વજુભાઇ ધાણકનું હોય, અને તેના ઉપર આરોપીઓએ ગેરકાયદેસર કબજો કરી લીધેલ હોય, સંજયભાઇના સમજાવવા છતાં, આ માથાભારે ઇસમો મકાનનો કબજો ખાલી કરતાં ન હોય, ધાક ધમકી આપતાં હોય, જેથી મકાન માલિક સંજયભાઇ વજુભાઇ ધાણક, રહે.બગસરા વાળાએ ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં ધારી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૮૨૦૧૧૨૯/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૪૧, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ વિ. મુજબનો ગુન્હો રજી. થયેલ.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયએ આમ જનતાની મિલ્કત પચાવી પાડનાર ઇસમો વિરૂધ્ધ કડક હાથે કાર્યવાહી કરી, મુળ માલિકને તેમની મિલ્કત પરત મળી જાય, તે માટે કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, માથાભારે ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી, ગુનો દાખલ થતાં, આ ઇસમોએ મકાન જેને ભાડે આપેલ, તે ભાડુઆત દ્વારા મુળ માલિકને તેમના મકાનનો કબજો પરત સોંપી આપેલ હતો તેમજ કબજો પચાવી પાડનાર ઇસમો દ્વારા પણ મકાનોનો કબજો મુળ માલિકને પરત સોંપી આપવામાં આવેલ.

(11:20 am IST)