Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

રેરેસ્ટ ઓફ ધી રેર કેસઃ ફેફસા ૮૦% કામ કરતા બંધ થવા છતાં કોરોનાગ્રસ્ત દર્દી ૭૨ વર્ષીય ચંદુબા જાડેજાને મળ્યું જીવનદાન

આરોગ્યકર્મીઓની સઘન સારવારથી જૈફ વયના ચંદુબા બન્યા કોરોનામુકત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૧:'હર રોજ ગિરકર ભી મુક્કમલ ખડે હૈ, એ ઝીંદગી દેખ મેરે હૌસલે તુજસે ભી બડે હૈ.'આ ઉકિતને સાચા પાડતા કોરોનાના ગંભીર દર્દીઓની હિંમત અને કોરોના વોરિયર્સ ડોકટર્સ જયારે જોશ સાથે તેમની તમામ શકિત કામે લગાડી દે છે ત્યારે કોરોના પણ હાંફી જાય છે. ગાંધીધામની સેન્ટ જોસેફ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત અનેક દર્દીઓ સાજા થઈ ઘરે સુખરૂપ પરત ફરે છે ત્યારે એક કિસ્સો ખુબજ પ્રેરણા પુરી પાડે છે. લગભગ ૮૦% ફેફસા ફેલ્યોર હોવા છતાં તબીબી સ્ટાફની ૧૧ દિવસની સઘન સારવારથી ૭૨ વર્ષીય ચંદુબા જાડેજા કોરોના મુકત બની મોતને મ્હાત આપી જીંદગીને ગળે લગાડી છે.

ગાંધીધામના અપનાનગરના રહેવાસી ચંદુબાને જયારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા એ વખતે તેમને છાતીમાં અત્યંત દુખાવો થતો હતો અને તેમાંય કોરોનાનું સંક્ર્મણ...., માટે ફરજપર હાજર આરોગ્ય કર્મીઓ દ્વારા તુરંતુ તેમને આઈ.સી.યુ. વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા જયાં સીટી સ્કેન કરતા તેમના ફેફસા ૮૦% ડેમેજ હતા અને ઓકિસજનનું પ્રમાણ પણ ઓછું જોવા મળ્યું, આવા સમયે ત્યાં કાર્યરત એનેસ્થેસિસ્ટ ડો.જયેશભાઈ રાઠોડ ચંદુબાની સઘન સારવાર કરી અને કોઈપણ ભોગે તેમને કોરોનામુકત કરવાની પ્રક્રિયા શરુ કરી. એ વિશે વાત કરતા ડો.રાઠોડ જણાવે છે કે,' ચંદુબાને ૨૪ કલાક વેન્ટિલેટર પર અને ૫ દિવસ ઓકિસજન આપતા બાયપેપ મશીન પર રાખવામાં આવ્યા હતાં. રેમડેસિવીર જેવા ઇન્જેકશનનો ડોઝ એકથી વધુ વાર આપવામાં આવ્યો.

પણ હું એટલું જરૂર કહીશ કે ચંદુબાનો વિલપાવર ખુબ જ મજબૂત હતો, અમે તેમના ફેફસામાંથી કોરોનાનું ઇન્ફેકશન દૂર કરવા જેટલી મહેનત કરતા હતા તેનાથી વધુ તો ચંદ્રાબા કોરોના સામે મક્કમ મનોબળથી લડવા માટે મહેનત કરી રહ્યા હતા. ૧૧ દીવસની સઘન સારવારને પ્રતાપે આજે તેઓ મુકત થયા છે.'

હાલ ચંદુબાની તબિયત સ્થિર હોવાનું અને તેઓ રૂટિન મુજબ દિનચર્યા કરી રહ્યા હોવાનું તેમના પરિવારજન ગજેન્દ્રસિંહ જાડેજા જણાવે છે. અને તેઓ રાજય સરકાર અને આરોગ્ય વિભાગનો ખુબ ખુબ આભાર માનતા જણાવે છે કે, મારી માતાને હોસ્પિટલના ડોકટરોએ જાન લગાવી સારવાર કરી તેના ફળસ્વરૂપે અમારો પરિવાર અકબંધ રહ્યો છે. આમ સેન્ટ જોસેફ હોસ્પિટલમાં કાર્યરત આઈ.એમ.એ ગાંધીધામના તબીબ ફિઝિશિયન ડો.સુધીર સાકરિયા, એનેસ્થેસિસ્ટ ડો.જયેશ રાઠોડ સહિતના આરોગ્યકર્મીઓની સદ્યન સારવારથી ચંદુબા કોરોનામુકત બની સ્વગૃહે પરત ફર્યા છે.

(11:20 am IST)