Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

વીરપુર જલારામધામમાં સરકારી ગાઇડ લાઇન મુજબ જય અંબે ગરબીની બાળાઓ દ્વારા માતાજીની આરાધના

(કિશોર મોરબીયા દ્વારા)વિરપુર જલારામ,તા. ૨૧: વિરપુર જલારામધામમાં નવરાત્રી દરમિયાન રાજાશાહી વખતની જય અંબે ગરબીની બાળાઓ દ્વારા સરકારની ગાઈડ લાઇન મુજબ માતાજી આરાધના કરી રહી છે.

આશો સુદ એકમ એ સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાતમાં માં જગદંબાની આરાધનાનું પર્વ એટલે નવલી નવરાત્રી માં આદ્યશકિતની ભકિતમાં સમગ્ર ગુજરાતભરના માઈ ભકતો દ્વારા માતાજીની આરાધનાનું પર્વ નોરતા ખુબજ ધામધૂમથી ઉજવાય છે માઇ ભકતો માતાજીની ભકિતમાં લિન હોય છે,જયારે અનંત કાળથી ગુજરાતમાં તો ઠેરઠેર માતાજીના ગરબાથી વાતાવરણ ગુંજી ઉઠે છે અને ખેલૈયાઓ મન મુકીને માતાજીના ગરબે દ્યૂમે છે અનેક જગ્યાએ માતાજીના ગરબા,પૂજા-અર્ચના અને સ્થાપના કરવામાં આવે છે.

પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા તમામ પ્રકારના ગરબા રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, સરકારી ગાઈડ લાઇન મુજબ નવરાત્રી દરમિયાન માતાજીની સ્થાપના તેમજ આરતી કરવા જણાવાયુ છે યાત્રાધામ વિરપુર જલારામમાં રાજાશાહી વખત જય અંબે ગરબી દ્વારા કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને સરકારી નિયમો અનુસાર સોશ્યલ ડિસ્ટન્સ રાખીને મોઢા પર માસ્ક બાંધીને નાની બાળાઓ જગત જનની માં જગદંબાની પૂજા તેમજ આરતી કરી માતાજીના નવલા નોરતા ઊજવી રહી છે.

જય અંબે ગરબીની નાની બાળાઓ દ્વારા માં અંબામાને પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે કે કોરોનાની મહામારી સમગ્ર વિશ્વ માંથી નષ્ટ થાય અને સમગ્ર વિશ્વના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે. તેવી પ્રાર્થના સાથે બાળાઓ માતાજીની આરાધના કરતી નજરે પડે છે.

(11:17 am IST)