Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ધોરાજીને પ્લાસ્ટીક રીસાયકલીંગ ઝોન જાહેર કરી - લોન વ્યાજ માફીના લાભો આપવા માંગ

પ્લાસ્ટીક રીસાયકલીંગનું હબ ગણાતા ધોરાજી ખાતે અગાઉ ચાઇનાનું પ્રતિનિધિ મંડળે મુલાકાત લઇ ધોરાજીમાં પ્લાસ્ટીક રીસાયકલીંગ ઉદ્યોગમાં વિકાસની તકો કેવી છે તે બાબતે જે તે સમયે એશો.ના હોદ્દેદારો સાથે ચર્ચા કરેલ તે પ્રસંગની તસ્વીર.

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા.૨૧ : ધોરાજી ખાતે ૩૫૦ થી વધુ પ્લાસ્ટીક રીસાયકલીંગના કારખાનાઓ આવેલ છે જેમાં આશરે ૧૦૦૦૦ હજાર લોકોને રોજીરોટી મળે છે. આ પ્લાસ્ટીક ઉદ્યોગ ધોરાજીના લોકોએ પોતાની આગવી સુઝબુઝથી આજથી ૪ દાયકા પુર્વે શરૂ કરેલ અને પ્લાસ્ટીક વેસ્ટમાંથી બેસ્ટ કરી દેશને પ્રદૂષણમુકત અને સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનના ભાગીદાર ધોરાજી છે.

સમગ્ર દેશમાંથી પ્લાસ્ટીકવેસ્ટ ધોરાજીમાં આવે છે અને રીસાયકલીંગ થઇ દોરડા, પેકીંગ પટ્ટી, એગ્રીકલ્ચર પાઇપ, પાણીનો પાઇપ સહિતની જરૂરી ચીજવસ્તુઓ રીસાઇકલીંગ કરી વેસ્ટ માંથી બેસ્ટ બનાવે છે અને વિદેશ એકસપોર્ટ કરાય છે.

ધોરાજીનો પ્લાસ્ટીક રીસાયકલીંગનો ઉદ્યોગ સ્વચ્છ ભારત અભિયાનમાં આ રિસાયકલીંગના ઉદ્યોગનો સમાવેશ કરવા ધોરાજી ખાતે કેન્દ્ર સરકારની ટીમ ધોરાજી પ્લાસ્ટીક આવેલ અને ધોરાજીને પ્લાસ્ટીક ઝોન ફાળવવા અંગેનો સર્વે કરેલ પણ લોકડાઉન પછી આ પ્લાસ્ટીક ઉદ્યોગ મૃતપ્રાય થયેલ. કારીગરો વતન જતા રહ્યા. દેશના અન્ય વિસ્તારોમાંથી પ્લાસ્ટીક વેસ્ટની આવક ઓછી થઇ પણ હવે આ પ્લાસ્ટીક ઉદ્યોગને બેઠો કરવા માટે સરકાર દ્વારા ઓછા વ્યાજવાળી લોન અને ટેકસમાં રાહત આપવી જોઇએ જેથી સમગ્ર દેશમાંથી આવતો કચરો જે ધોરાજીના પ્લાસ્ટીક રીસાયકલ ઉદ્યોગકારોને સરકારે યોગ્ય મદદ કરવી જોઇએ.

આ રીસાયકલ ઉદ્યોગની મુલાકાતે ચાઇના અને આફ્રીકન દેશોના પ્રતિનિધિઓએ પણ મુલાકાત લઇ વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બને એ અંગે માહિતીઓ એકઠી કરી આ ઉદ્યોગને ટેકસ મુકત કરવા અને અન્ય સવલતો આપવા પ્લાસ્ટીક ઉદ્યોગ પ્રમુખ દલસુખભાઇ વાગડીયા અને તેની ટીમ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

(11:17 am IST)