Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

કચ્છ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં કડાકા ભડાકા સાથે વરસાદ : પાલીતાણામાં વીજળી પડતા યુવાનનું મોત

મગફળી, કપાસ અને તલ સહિતના પાકોને નુકસાન :ઉનાના અંજારમાં એક ખેડૂતની વાડીમાં નારિયેળીના ઝાડ પર વીજળી પડતા ઝાડ સળગી ઉઠ્યું

ગાંધીનગર: હવામાનની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મગફળી, કપાસ અને તલ સહિતના પાકોને નુકસાન થઈ રહ્યું છે. આજે કચ્છ, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી વિસ્તારમાં કડાકા ભડાકા સાથે સવારથી જ વરસાદ વરસી રહ્યો હતો.

ઉનાના અંજારમાં એક ખેડૂતની વાડીમાં નારિયેળીના ઝાડ પર વીજળી પડતા ઝાડ સળગી ઉઠ્યું હતું. ભાવનગરના પાલિતાણા તાલુકાના આદપુર ગામે આવેલા ડુંગર પર વીજળી પડતાપ્રકાશભાઈ પુનાભાઈ મકવાણા નામના યુવાનનું મોત નીપજ્યું છે. ડુંગર ઉપર મજૂરી કામ કરી રહેલા યુવાન પર વીજળી પડતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. યુવાનને પાલિતાણા માનસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં ફરજ પરના ડોક્ટરે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો. પોરબંદરના રાણાવાવમાં 4 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.

કચ્છમાં સતત પાંચમા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. ભુજ, સુખપર,મીરઝાપર, માનકુવા. દયાપર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

જૂનાગઢમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી શહેરનાં મોતીબાગ સહિતના વિસ્તારોમાં રોડ રસ્તા પર પાણી ભરાયા હતા. શહેરના રસ્તાઓ પર પાણી ભરાઇ જવાથી વાહન ચાલકોને મશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જુનાગઢના માળીયા હાટીનામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો..માળીયા હાટીનાના અમરાપુર, વડીયા, ઇટલી, ગલોદર, ઘુમતી, સરકડિયા સહિતના મોટા ભાગના ગામડાઓમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

અમરેલીના બાબરા તેમજ પંથકના ગામડાઓમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો પાંચાળનાં કરિયાણા, ખભળા ગામે પણ વરસાદી ઝાપટા પડયા હતા. વરસાદી માહોલથી રોડ રસ્તા પાણી પાણી થયા હતા. સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડતાં ખેતરોમાં મગફળી અને કપાસ પાકને નુકસાન થયું હતુ. કમોસમી વરસાદે ખેડૂતો પર કેર વરસાવ્યો છે. તો લાઠી શહેરમા પણ કમોસમી વરસાદ વરસ્યો. વરસાદને કારણે રોડ રસ્તાઓ પાણી-પાણી થયા. કમોસમી વરસાદને લીધે મગફળી તેમજ કપાસના પાકને ભારે નુકસાન થવાની આશંકાને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું જોવા મળ્યું.

તો આ તરફ તાલાળાનાં ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો. ભારે ગરમી અને બફારા વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો. ધાવા આકોલવાડી, સુરવા, જાબુંર, માધુપુર અને આસપાસ ગીર બોર્ડરના ગામોમાં ભારે વરસાદ વરસ્યો.

ડાંગના આહવા પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી રોડ રસ્તા પર પાણી ભરાયા હતા. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

(11:48 pm IST)