Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

મોરબી જીલ્લા સંકલન બેઠકમાં ૪૫ થી વધુ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો

રોડ, રસ્તા, આંગણવાડી, પી. જી. વી. સી. એલ.,સહિતના વિવિધ મુદ્દાઓનો નિકાલ લવાયો

મોરબી : જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરી નિકાલ લાવવામાં આવ્યો હતો. સંકલન સમિતિની બેઠકમાં રોડ, રસ્તા, આંગણવાડી, પી. જી. વી. સી. એલ.,સહિતના વિવિધ મુદ્દાઓનો નિકાલ લવાયો હતો.

જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં શુક્રવારે મળેલ સંકલન બેઠકમાં મોરબી જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કાર્યો તેમજ ભારે વરસાદ બાદ જિલ્લામાં રોડ-રસ્તાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સહિત પર ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં પડધરી-ટંકારાના ધારાસભ્ય લલીતભાઇ કગથરા, વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવીદ પિરઝાદાએ પ્રજાહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા જેનો સંબંધિત વિભાગના અધિકારીઓએ નિકાલ લાવ્યા હતા અને જવાબો રજૂ કર્યા હતા.

સમગ્ર બેઠકમાં ૪૫ થી વધુ વિવિધ વિભાગોને લગતા પ્રશ્નો રજૂ કરાયા હતા જેમાં વીજચોરી અંગે થયેલી કામગીરી, ટ્રાન્સફોર્મર ઝડપથી બદલી આપવા, આઇ.સી.ડી.એસ. અંતર્ગત આવતી આંગણવાડીના નવા બિલ્ડીંગના પ્રશ્નો, સિંચાઇના પાણી, સરકારી જમીનો પર થયેલા દબાણો દૂર કરવા, ખેડૂતો તેમજ સરકારી કચેરીઓમાં અરજદારોને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆતો કરાઇ હતી.

બેઠકના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે અધિકારીઓને તમામ રજૂઆતોનો જવાબ રજૂ કરવા અને હકારાત્મક નિકાલ લાવવા વિવિધ સુચનો કર્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર કેતન પી. જોષીએ કર્યું હતું.

આ બેઠકમાં ટંકારા-પડધરી ધારાસભ્ય લલિત કગથરા, વાંકાનેરના ધારાસભ્ય મહંમદજાવીદ પિરઝાદા, જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલા, મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચર, વાકાંનેર પ્રાંત અધિકારી એન.એફ. વસાવા, ટંકારા પ્રાંત અધિકારી અનીલ ગોસ્વામી, પ્રાંત અધિકારી હળવદ, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લાની નગર પાલિકાના ચીફ ઓફિસરો, ઉપરાંત શિક્ષણ, માર્ગ અને મકાન વિભાગ, રોજગાર, રમતગમત, આરટીઓ, સમાજ કલ્યાણ, સહિત જિલ્લાના તમામ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ, એસ.ટી. વિભાગ, જિલ્લા યુવા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:12 am IST)