Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

હાઈ એલર્ટ વચ્ચે કચ્છનાં હરામી નાળા વિસ્તારમાં બોટની સાથે બે પાકિસ્તાની ઝડપાયા

ભુજ : છેલ્લા કેટલાક સમયથી કચ્છની સરહદેથી અવાવરું પાકિસ્તાની બોટ ઝડપાયાનો સિલસિલો ચાલુ થયો હતો તેવામાં આજે સોમવારે કચ્છનાં હરામી નાળા વિસ્તારમાંથી એક બોટની સાથે બે પાકિસ્તાની પણ બીએસએફના હાથમાં આવી ગયા હતા. દેખાવે માછીમાર જેવા લાગતા આ ઘૂસણખોરો પાસેથી માછીમારીનો સામાન મળી આવ્યો છે. છતા સાવચેતીનાં ભાગરૂપે આ વિસ્તારમાં સીમા સુરક્ષા દળ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગઈકાલે ભારતે પાકિસ્તાનનાં કબ્જાવાળા કાશ્મીરમાં આર્ટીલરી સર્જિકલ સ્ટ્રાઈક કર્યા બાદ બન્ને દેશની સેના હાઈએલર્ટ મોડમાં છે અને બોર્ડર ઉપર ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે તેવામાં કચ્છનાં આ સંવેદનશીલ વિસ્તારમાં બનેલી આ ઘટનાને કચ્છનાં સુરક્ષા દળો ઉપરાંત ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ બારીકાઈથી જોઈ રહી છે.

સોમવારે સાંજે સાડા પાંચનાં અરસામાં કચ્છનાં હરામી નાળા વિસ્તારમાં બોર્ડર પિલર નંબર 1170 પાસે પાકિસ્તાની બોટ નજરે પડી હતી. આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફના જવાનોએ તરત જ તે દિશામાં ધસી જઇને બોટમાં સવાર પાકિસ્તાનીઓને દબોચી લીધા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચેનાં તંગ વાતાવરણમાં આ ન્યૂઝ વાયુવેગે ફેલાઈ ગયા હતા. જો કે કચ્છમાં સીમા સુરક્ષા દળના ચીફ એવા સેકટર ડીઆઈજી સમંદરસિંહ દબાસ આ સમગ્ર મામલે અજાણ હતા અને તેમની પાસે કોઈ વિગત ના હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ ગુજરાત બીએસએફના વડા એવા ફ્રાટીયરના આઈજી જી.એસ.મલિકે કચ્છમાં થયેલી ઘૂસણખોરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, બંને પાકિસ્તાની પાકના સિંધ પ્રાંતના થટ્ટા જિલ્લાના વતની છે. હમજા અને એહમદ નામના આ પાકિસ્તાની નાગરિકો પાસેથી હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ ના મળી હોવાનું આઈજી મલિકે ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી કચ્છનાં ક્રિક એરિયામાં સતત મળી આવતી અવાવરું બોટની ઘટનાથી ચિંતાનું વાતાવરણ ઉભુ થયું હતું.

(9:50 pm IST)