Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

બે દિ'માં કચ્છમાંથી 'તીડ'નો સફાયો થઇ જશે- રાજ્યના કૃષિ મંત્રી આર.સી. ફળદુ પહોંચ્યા લખપત

કચ્છમાં તીડના આક્રમણને પગલે કેન્દ્રના કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ લીધેલી કચ્છની મુલાકાત બાદ આજે રાજ્યના કૃષિ મંત્રી આર.સી. ફળદુ કચ્છ આવી પહોંચ્યા હતા. તેમણે તીડની સમસ્યા જાણવા માટે લખપત તાલુકાનો પ્રવાસ ખેડયો હતો. મોટી છેર ગામે પહોંચીને કૃષિ મંત્રી આર.સી. ફળદુએ ખેડૂતો સાથે સંવાદ કરીને તીડના ઉપદ્રવ વિશે માહિતી મેળવી હતી. તો, તીડના આક્રમણને ડામવા કચ્છના વહીવટીતંત્ર તેમ જ ખેતીવાડી વિભાગ અને ખેડૂતો દ્વારા થયેલ પ્રયાસો વિશે જાણકારી મેળવી હતી. બાદમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ફળદુએ જણાવ્યું હતું કે, અહીં તંત્ર અને લોકોએ સારી જાગૃતિ દર્શાવી હોઈ કોઈ મોટી નુકસાની નથી. પણ, જે રીતે કામગીરી થઈ રહી છે તે જોતાં કચ્છમાંથી બે દિવસમાં તીડ નો સફાયો થઈ જશે. જોકે, કચ્છમાં તીડના કારણે પાર્કને ક્યાંય કોઈ નુકસાન થયું નથી. પણ, તેમ છતાંયે ક્યાંય કોઈ નુકસાન થયું હશે તો તે નુક્સાનીનો સર્વે કરીને સરકાર ખેડૂતોને મદદરૂપ બનશે. આ મુલાકાત દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી શિહોરા સહિત અન્ય અધિકારીઓ સાથે રહ્યા હતા.

(7:05 pm IST)