Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

અમરેલી-બોટાદ જિલ્લામાં ચોરી કરતી છારા ગેંગના ૬ સભ્યો પોલીસના સકંજામાં

નાની-મોટી ર૦ ચોરીઓનો ભેદ ઉકેલતી અમરેલી એલસીબી પોલીસ ઢગલાબંધ મુદ્દામાલ કબ્જે કરાયો

 અમરેલી, તા. ર૧ : જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયએ જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલા. આથી અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી.ડી.કે.વાદ્યેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા લાઠી ટાઉનમાં સોની બજારમાં શંકાસ્પદ રીતે આંટા-ફેરા મારતી અને ચોરીનો મુદ્દામાલ વેચવા માટે આવેલ ત્રણ મહિલાઓ સહિત છારા ગેંગના સક્રિય છ સભ્યોને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી તથા બોટાદ જીલ્લામાં થયેલ નાની મોટી વીસ કરતાં વધારે ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.

પકડાયેલ આરોપીઓ જોઇએ તો  (૧) અર્જુન ઉર્ફે અજય ધમાભાઇ  (૨) આતીષ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ (૩) હિતેશ ઉર્ફે હિતો દિલીપભાઇ ચૌહાણ,(૪) જયોતિબેન W/O અર્જુન ઉર્ફે અજય ધમાભાઇ ઉર્ફે ગોરધનભાઇ ચૌહાણ, (૫) કાજલબેન W/O  આતીષ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ ઉર્ફે બદરૂ રાઠોડ, (૬) કુંજલબેન W/O  હિતેશ ઉર્ફે હિતો દિલીપભાઇ ચૌહાણ, રહે.મુળ દ્યાટવડ, બસ સ્ટન્ડની સામે, ખોડીયાર મંદિર પાસે, તા.કોડીનાર, જી.ગીર-સોમનાથ, હાલ આટકોટ, ગુંદાળા રોડ, ગેસ ગોડાઉન નજીક, તા.જસદણ, જી.રાજકોટનો સમાવેશ થાય છે.

ઉપરોકત આરોપીઓ ભટકતું જીવન ગાળે છે અને સીમ વિસ્તારમાં પગપાળા ચાલી, વાડી વિસ્તારમાં રહેતાં ખેત મજુરો, મજુરી કામે ગયેલ હોય ત્યારે તેમની ઓરડીના તાળાં તોડી અથવા તો ડુપ્લીકેટ ચાવી વડે તાળાં ખોલી, રોકડ રકમ તથા કિંમતી સોના-ચાંદીનાં દાગીનાની ચોરી કરી, ચોરીના ગુન્હાઓને અંજામ આપતા હતાં અને મોટા ભાગે સીમ વિસ્તારમાં, વાડીઓમાં આવેલ મજુરોની ઓરડીઓને નિશાન બનાવતા હતાં.

આરોપીઓ પાસેથી મળી આવેલ મુદામાલમાં સોના ચાંદીના દાગીનાઓ, કિં.રૂ.૩૬,૧૫૦/- તથા રોકડા રૂ.૩૪૫૦/- મળી કુલ કિં.રૂ.૩૯,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ સામે ધોરણસર કાર્યવાહી કરેલ છે.

આ ઉપરાંત લાઠી, સાંથળી, બાબરા-દેવળીયા રોડ પર જીનમાં, બળેલ પીપરીયા, ઇશ્વરીયા, જીવાપર, આંકડીયા, દેવળીયા, અડતાળા, ખીજડીયા જંકશન, જસવંતગઢ, રાંઢીયા, ગરણી, પાંચવડા, જસાપર સહિતના ગામોમાં કરેલ નાની મોટી કુલ વીસ કરતા વધારે ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.

 આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી.ડી.કે.વાદ્યેલા, તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(1:18 pm IST)