Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના યાર્ડો મગફળીની પુષ્કળ આવકોથી છલોછલઃ ચાર લાખ ગુણીની આવકઃ મણે ૫૦ રૂ. ઘટ્યા

રાજકોટ યાર્ડમાં ૩૫ હજાર અને ગોંડલ યાર્ડમાં ૫૦ હજાર મગફળીની ગુણીની આવક

રાજકોટ, તા., ર૧: સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના માર્કેટ યાર્ડોમાં આજે મગફળીની પુષ્કળ આવકો થતા મગફળીની આવકોથી તમામ યાર્ડો છલોછલ થઇ ગયા છે. આજે ગુજરાતના યાર્ડોમાં એક જ દિવસમાં ૪ લાખ ગુણીની વિક્રમજનક આવકો થઇ છે. સાથે સાથે મગફળીના ભાવમાં પણ ગાબડુ પડયું છે.  ચાલુ વર્ષે સારા વરસાદના પગલે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં મગફળીનું મોટાપાયે વાવેતર થયું છે અને હાલમાં મગફળીની આવકો યાર્ડોમાં ધીમે ધીમે વધી રહી છે. આજે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ માર્કેટ યાર્ડોમાં ૪ લાખ મગફળીની ગુણીની આવકો થઇ છે. પુષ્કળ આવકોના પગલે મગફળીના ભાવમાં પણ ગાબડું પડયું છે. મગફળી મણે  પ૦ રૂપીયા ઘટી ગયા છે. એવરેજ મગફળી એક મણના ભાવ ૮૦૦ થી ૧૦૦૦ રૂ. છે.

વેપારી સુત્રોના જણાવ્યા મુજબ ડિસા અને પાલનપુરમાં સવા લાખ મગફળીની ગુણીની આવકો થઇ હતી અને મગફળીના ભાવ ૮૪૦ થી ૮૮૦ રૂ. રહયા હતા. જયારે સૌરાષ્ટ્રના મુખ્ય યાર્ડ રાજકોટમાં ૩પ૦૦૦ મગફળીની ગુણીની આવકો હતી. ભાવ ૯૦૦ થી ૧૦રપ રહયા હતા. તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં પ૦૦૦૦ મગફળીની ગુણીની આવકો થઇ હતી ભાવ ૮પ૦ થી ૯૭પ રૂ. રહયા હતા.  આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના યાર્ડોમાં હજુ પણ મગફળીની આવકો વધશે તેવું વેપારી સુત્રોએ નિર્દેશ આપ્યો હતો.

(1:17 pm IST)