Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

કચ્છ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીને કોર્ટ પરિસરમાં જાનથી મારી નાખવાની ધમકીઃખળભળાટ

જન્મટીપની સજા કાપતા આરોપી કેસુડાએ વધુ એક કેસમાં વધુ સજા થશે તેવું માનીને ધમકી દીધી

ભુજ,તા.૨૧: કચ્છ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામીને કોર્ટ પરિસરની અંદર જ જાનથી મારી નાખવાની મળેલી ધમકીએ ચકચાર સર્જી છે. છેલ્લા દ્યણા સમયથી જિલ્લા સરકારી વકીલ તરીકે અલગ અલગ ગુનાઓના અનેક આરોપીઓને કાયદા હેઠળ આકરી સજા કરાવનાર કલ્પેશ સી.ગોસ્વામીએ પોતાને મળેલ ધમકી અંગે ભુજ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. જે મુજબ ગઈકાલે ભુજ કોર્ટ પરિસરની અંદર કાસમ ઉર્ફે કાસુડો મામદ નોતીયારે સેશન્સ જજની ૮ નંબરની કોર્ટની બહાર જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે લખવાયેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી કાસુડો ઉર્ફે કાસમ નોતીયારને નખત્રાણામાં અગાઉના કેસમાં તેમણે આજીવન કેદની સજા કરાવી હોઈ તેનો ખાર રાખ્યા બાદ ગઈકાલે કાસુડો ઉર્ફે કાસમ નોતીયારે ત્રણ પોલીસ કર્મીઓ ઉપર છરી વડે કરેલ જાનલેવા હુમલાનો અંગેનો કેસ હતો. અત્યારે પાલારા જેલમાં જન્મટીપની સજા કાપી રહેલા આરોપી કાસુડા ઉર્ફે કાસમ નોતીયારને ગઈકાલે કોર્ટમાં સાક્ષીઓની જુબાની અને ગુના અંગેની થયેલી દલીલો બાદ એવું લાગ્યું હતું કે, આ ગુનામાં પણ તેને સજા થશે. એટલે ઉશ્કેરાયેલા આરોપી કાસુડા ઉર્ફે કાસમે કોર્ટ રૂમની બહાર નીકળ્યા બાદ આ કેસના સરકારી વકીલ એવા કલ્પેશ સી. ગોસ્વામીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

જોકે, સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ તરત જ કોર્ટ રૂમમાં જઈને સેશન્સ જજશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું. કોર્ટ પરિસરમાં બનેલ આ બનાવ અંગે અંતે ભુજ એ ડિવિઝન પોલીસે આઈપીસી કલમ ૫૦૪, ૫૦૬, ૨૯૪ (ખ) હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:06 pm IST)