Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

કુતિયાણા પોલીસમાં ૧૯૯પમાં નોંધાયેલ કેસમાંથી ટાડા એકટની કલમ રદ કરવા સુપ્રિમ કોર્ટનો હુકમ

પોરબંદર, તા. ર૧ : કુતિયાણામાં સને ૧૯૯પની સાલમાં પોલીસે નોંધેલ ફરીયાદમાંથી ટાડા કલમ રદ કરતો સુપ્રિમ કોર્ટ હુકમ કર્યો હતો.  હાલના કેસની હકીકત એવી છે કે, રાણાવાવ પો.સ. ગુ.ર.નં. આઇઆઇ ૩/૯૪ ના કામના નાસતા ફરતા આરોપીઓ કુતિયાણા આજુબાજુ આવનારા છે તેવી ખાતમી જે તે સમયના પોલીસ ઇન્સ. સી.જે. સીંગને મળતા તેઓએ કુતિયાણાની આજુબાજુ વોચમાં હતા ત્યારે રાત્રીના ર-૪પ વાગે મોટરકાર આવતી હોય તેને રોકતા તેમાં નાસતા ફરતા આરોપીઓ એભા અરજન જાડેજા, બચુ ભીખા મેર, તથા કેશુ ચના મોટરકારમાંથી મળી આવતા મોટરકારની ઝડતી લઇ -તપાસ કરતા એભા અરજન જાડેજા પાસેથી ૯ એમએમની વિદેશી બનાવટની બેરેટા કંપની પિસ્તોલ ૩ જીવતા કાતુસ અને એક ફુટેલ કાર્ટીસ તથા બીજી વિદેશી બનાવટની રીવોલ્વર નંગ-૧, ૩ર બોરની તથા તેના જીવતા કાતુસ નંગ-પ સાથે મળી આવેલ. તેમજ તેમાં અન્ય સાગ્રીત બચુ ભીખા મેર પાસેથી ૩૧પ બોરનો તમંચો તેમજ કેશુ ચના મેર પાસેથી ૧ર બોરનો તમંચો મળી આવેલ જે અંગેની ફરીયાદ તા. ૧૦-૪-૧૯૯પના રોજ કુતિયાણા પોલીસમાં આપતા હથીયાર ધારાની વિવિધ કલમો મુજબ હેઠળ ગુનો નોંધાયેલ અને તેજ દિવસે ફરીયાદ નોંધાયા બાદ જે તે સમયના ડીએસપીશ્રીએ ટાડા હેઠળ ફરીયાદ નોંધવા મંજૂરી આપેલ.

ઉપરોકત ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ દરમ્યાન ઘણા બધા આરોપીઓને અટક કરેલ અને સમયાંતરે ઘણા બધા ચાર્જશીટો કોર્ટમાં રજૂ કરેલ. ત્યારબાદ આ કેશ કોર્ટમાં ચાલવા ઉપર આવતા આરોપીઓએ તેઓની સામે ટાડા હેઠળ કામ ચલાવી શકાય નહીં કારણ કે ટાડાના કાયદાની કલમ ર૦ (એ)૧ મુજબ ટાડાની કોઇપણ ફરીયાદ નોંધતા પહેલા ડીએસપીશ્રીની મજુરી મેળવવી મેન્ડેટરી છે અને જો આવી મંજુરી મેળવામાં ન આવે કે પછી ફરીયાદ નોંધાયા બાદ મેળવવામાં આવે તો સમગ્ર ટ્રાયલ વિસયેટ થાય છે તે કારણ સાથે ત્હો.દારોએ પોરબંદરની નામ ડેઝીગ્નેડ કોર્ટ સમક્ષ તેઓને ટાડાની કલમો દૂર કરવા માટે ડીસ્ચાર્જ અરજીઓ કરેલ તે નામ ટાડા કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવેલ.

ત્યારબાદ આ કામના તહો.દારોએ તે હુકમની સામે સર્વોચ્ચ ન્યાયાલય (સુપ્રીમકોર્ટ)માં અપીલ સને ર૦૦૯માં આ કામના આરોપીઓ એભાભાઇ અરજનભાઇ જાડેજા તથા અન્ય આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવલ જે અપીલ સુપ્રિમ કોર્ટના જસ્ટીસશ્રી દિપક ગુપ્તા તથા અનિરૂદ્ધ બોસની બેંચ સમક્ષ તા. ૧૬-૧૦-૧૯ના રોજ ચાલવા ઉપર આવેતા સુપ્રિમ કોર્ટના સીનિયર એડવોકેટ સુશીલકુમાર તેમજ સંજય જૈન દ્વારા એવી રજુઆતો કરવામાં આવેલ કે હાલના કામે ટાડા કલમ ર૦(એ)૧ મુજબની મંજુરી ડીએસપીશ્રીએ ફરીયાદ નોંધ્યા બાદ આપવામાં આવેલ છે, પરંતુ ટાડા કલમમાં સ્પષ્ટ છે કે ડીએસપીશ્રીની પૂર્વ મંજુરી વગર ટાડા નીચે કોઇ ફરીયાદ નોંધી શકાય નહીં.

ઉપરોકત તમામ રજુઆતોને ધ્યાને લઇને સુપ્રિમકોર્ટની ખંડપીઠે કુતિયાણા પોલીસે લગાડેલ ટાડાની કલમ રદ કરતો હુકમ કરેલ છે. ઉપરોકત આ કામમાં સુપ્રિમકોર્ટમાં સીનીયર એડવોકેટશ્રી સુશીલકુમાર તથા સંજય જૈન તેમજ પોરબંદરના જોખીયા એડવોકેટસ ઓફીસ તરફથી શલીમભાઇ ડી. જોખીયા, વીઓ. જોખીયા, સરફરાઝ ડી. જોખીયા તથા રમેશભાઇ જે. ગોહેલ રોકાયેલ હતાં.

(11:57 am IST)