Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ગોંડલના અમિત પટેલની મોડી રાતે વિરપુરમાં ધોકાથી બેફામ ધોલાઇઃ બાઇકની ચાવી અને મોબાઇલ ફોન ગૂમ

કોઇ સાથે માથાકુટ થઇ હોઇ વાતચીત કરવા ગયા બાદ હુમલોઃ હોમગાર્ડ જવાને ફોનમાંથી તેના ભાઇને જાણ કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાયોઃ ભાનમાં આવ્યે વિગતો ખુલશે

રાજકોટ તા. ૨૧: ગોંડલના ભોજપરાજપરામાં રહેતાં અને મમરાની ફેકટરીમાં કામ કરતાં અમિત ધીરૂભાઇ વઘાસીયા (લેઉવા પટેલ) (ઉ.૨૫) પર મોડી રાતે વિરપુરમાં સ્મશાન નજીક અજાણ્યા લોકોએ ધોકાથી હુમલો કરી બેફામ માર મારતાં લોહીલુહાણ થઇ જતાં બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને રામજીભાઇએ વિરપુર પોલીસને જાણ કરી હતી. અમિતના ભાઇ જીજ્ઞેશભાઇના કહેવા મુજબ અમિતને કોઇ સાથે અગાઉ માથાકુટ થઇ હતી. તે બાબતે સમાધાનની વાતચીત કરવા માટેનો ગત રાતે ફોન આવતાં તે બાઇક લઇને વિરપુર ગયો હતો. આ વાતથી અમે અજાણ હતાં. એ પછી મોડી રાતે અઢી વાગ્યા આસપાસ તેના ફોનમાંથી મને ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતે હોમગાર્ડ જવાન હોવાનું તેમજ આ ફોન જેનો છે એ ભાઇ વિરપુર સ્મશાન સામે લોહીલુહાણ પડ્યા હોવાની વાત કરતાં હું ત્યાં પહોંચ્યો હતો અને અમિતને સારવાર માટે રાજકોટ ખસેડ્યો હતો.

તેને કોની સાથે માથાકુટ હતી અને શું કામ માર માર્યો? તે અંગે તે ભાનમાં આવ્યા બાદ જાણી શકાશે. તેના બાઇકની ચાવી ગાયબ હતી અને તેનો મોબાઇલ ફોન પણ મળ્યો નથી. વિરપુર પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:50 am IST)