Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

દારૂ જથ્થા કેસમાં બે PSI, એક ASIને સસ્પેન્ડ કરાયા

જૂનાગઢ પંથકમાં દારૂનો જથ્થો પકડાયો હતો : જૂનાગઢ એસપીની શિક્ષાત્મક કાર્યવાહીને પગલે જૂનાગઢ પંથક ઉપરાંત રાજયભરના પોલીસબેડામાં ભારે ચકચાર

અમદાવાદ, તા.૨૧ : જૂનાગઢ જિલ્લાના ચોરવાડ પંથકમાં બે દિવસ પહેલાં ડીજી વિજિલન્સ સ્કવોડ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમ્યાન દારૂનો મોટાપાયે જથ્થો પકડાતાં સ્થાનિક પોલીસ પર તવાઇ બોલી હતી. સમગ્ર મામલાની ગંભીરતા અને દારૂબંધી નાથવામાં સ્થાનિક પોલીસની ગંભીર ઉદાસીનતા ધ્યાને લઇ જૂનાગઢના એસપી સૌરભસિંઘે ચોરવાડ પોલીસના બે પીએસઆઇ અને એક એએસઆઇને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી નાંખ્યા હતા. એકસાથે ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવતાં જૂનાગઢ પંથક સહિત રાજયના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી. જૂનાગઢ એસપી દ્વારા શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારીઓમાં પીએએસઆઇ એસ.કે.માલમ અને એમ.ટી.ચુડાસમા અને એએસઆઇ એસ.યુ.કોડિયાતરનો સમાવેશ થાય છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ પંથકમાં બે દિવસ પહેલાં ડીજી વિજિલન્સ સ્કવોડ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમ્યાન બે લાખના વિદેશી દારૂ સહિતનો જથ્થો પકડાતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, બીજીબાજુ, દારૂના સ્થાનિક બુટલેગરો અને  દારૂની હેરાફેરી કરતાં તત્વોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. ડીજી વિજિલન્સ સ્કવોડ દ્વારા સમગ્ર મામલામાં જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ આ સમગ્ર પ્રકરણમાં સ્થાનિક પોલીસની ગંભીર ઉદાસીનતા સામે આવી હતી. જેની ગંભીર નોંધ લઇ જૂનાગઢના એસ.પી. સૌરભસિંઘે તાત્કાલિક અસરથી ચોરવાડ પોલીસના બે પીએસઆઇ અને એક એએસઆઇને સસ્પેન્ડ કરી દીધા હતા. જૂનાગઢ એસપીની આ શિક્ષાત્મક કાર્યવાહીને પગલે સમગ્ર જૂનાગઢ પંથક ઉપરાંત રાજયભરના પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી. અમદાવાદ શહેર સહિતના અન્ય શહેરોમાં પણ આ પ્રકારે દારૂબંધીનો અમલ નહી કરાવી શકનાર પોલીસ અને બુટલેગરો પાસેથી હપ્તા લેતી પોલીસ વિરૂધ્ધ પણ અહીંના સ્થાનિક ઉચ્ચ પોલીસ સત્તાવાળાઓએ પણ આવી ઉદાહરણરૂપ શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઇએ તેવી ચર્ચાએ જોર પકડયું હતું.

(9:35 pm IST)