Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

બુધવારે જુનાગઢમાં પૂ. મોરારીબાપુના હસ્તે કવિ વિનોદ જોશીને નરસિંહ મહેતા એવોર્ડ અપાશે

જુનાગઢ, તા. ર૦: આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ-જુનાગઢ દ્વારા પ્રતિવર્ષ ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ અને સત્વશીલ કવિને નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ કરી એમના સર્જનકર્મની વંદના કરવામાં આવે છે અને પુ. મોરારીબાપુની સન્નિધિમાં, દિવ્યસેતુની નિશ્રામાં, રૂપાયતનના નિસર્ગરમ્ય પરિસરમાં શરપૂર્ણિમાનાં ઉજાસભર્યા અવસરે આ ઉપક્રમે રચાય છે.

વર્ષ-ર૦૧૮ માટે ગુજરાતી કાવ્યક્ષેત્રે અકદેરૂ પ્રદાન કરનાર કવિશ્રી વિનોદ જોશીનો રપ મો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે.

ગુજરાતી કવિતામાં પોતાના આગવા અવાજ દ્વારા વિશિષ્ટ ઉર્મિકાવ્યો અને દિર્ધકાવ્યોના સર્જન દ્વારા કવિશ્રી વિનોદ જોશી આદર પાત્ર સ્થાન ધરાવે છે. તેમજ તેમના ગીતોની પ્રસ્તુતિ ગુજરાતી કાવ્ય સંગીતના સાહિત્યમાં વિનોદ જોશી પોતાના લયહિલ્લોળથી મંડિપ ગીત રચનાઓ તથા પ્રલંબ કાવ્યોના અનોખા કવિ, અભ્યાસુ વકતા અને તાટસ્થ્યપૂર્ણ વિવેચક તરીકે સુવિખ્યાત છે.

આગામી શરદપૂર્ણિમાની સંધ્યાએ તા. ર૪ મી ઓકટોબર ને બુધવારના રોજ સાંજના પ-૩૦ કલાકે ગીરનારની ગોદમાં રૂપાયતના પ્રાકૃતિક પરિસરમાં પૂ. મોરારીબાપુના હસ્તે કવિશ્રીનું સન્માન થશે. કવિશ્રીને રૂ. ૧,પ૧,૦૦૦/- ની સન્માન રાશિ તેમજ નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા સાથેનો વર્ષ-ર૦૧૮નો નરસિંહ મહેતા એવોર્ડ સાક્ષરો અને વિદ્ધાનોની ઉપસ્થિતિમાં એનાયત થશે. આ પ્રસંગે કવિશ્રી વિનોદ જોશી કાવ્યપાઠ કરશે.

સન્માનીય કવિશ્રીના સર્જનકમાં વિશે શ્રી મણીલાલ હ. પટેલ અને શ્રી રાજે પંડયા વકતવ્ય આપશે પ્રસિદ્ધ ગાયિકા ગાર્ગી વીસ દ્વારા નરસિંહ મહેતા અને વિનોદ જોશીની રચનાઓ પ્રસ્તુત થશે અને નુપુર કલાવૃંદ જુનાગઢની બાળાઓ દ્વારા  સાંસ્કૃતિ પ્રસ્તુતિ થશે. આ પ્રસંગે મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરી પ્રસંગોચિત વકતવ્ય આપશે તેમજ પુ. મોરારીબાપુ પોતાની પ્રસન્નતા વ્યકત કરશે.

આ અવસરે કવિશ્રી વિનોદ જોશીના પ્રલંબ કાવ્ય સેરન્ધી તથા કવિએ ચૂંટેલી પોતાની કવિતાનો સંચય મારા કાવ્યો આ બંને કાવ્યસંગ્રહોનું લોકાર્પણ પુ. મોરારી બાપુ હસ્તે થશે. આ પ્રસંગે પ્રવિણ પુસ્તક ભંડાર દ્વારા કવિના પુનઃમુદ્રિત રપ-ગ્રંથો એક સાથે સુલભ બનશે.

કાર્યક્રમનું સંચાલન પ્રણવ પંડયા કરશે.

આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્યવિધિ ટ્રસ્ટમાં રઘુવીર ચૌધરી (અધ્યક્ષ), હરિશચંદ્ર જોશી (કોષાાધ્યક્ષ), શ્રી લાભશંકર પુરોહિત (ટ્રસ્ટી), હર્ષદ ચંદારાણા (ટ્રસ્ટી), પૂર્ણિમાબેન ખંડેરીયા (ટ્રસ્ટી) તથા પ્રણવ પંડયા (ટ્રસ્ટી) તરીકે કાર્યરત છે.

ગુજરાતી કવિતાના સન્માનના આ ધન્ય અને ગૌરવશાળી પ્રસંગે સૌ રસિકભાવકો સહિત ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે. (૯.૪)

 

(4:27 pm IST)