Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકા ત્રણ આરોગ્ય કેન્દ્રો માટે રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક દ્વારા અનુદાનિત ત્રણ એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ત્રણે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યુંઃ આ પ્રસંગે યોજાયેલ જાહેર સભામાં ભાજપના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીની ઉપસ્થિતિમાં શક્તિસિંહ ગોહિલે સ્પીચ દરમ્યાન કેન્દ્ર સરકાર પર માર્મિક પ્રહાર કર્યા

ભાવનગર: જિલ્લાના ગારિયાધાર તાલુકા ત્રણ આરોગ્ય કેન્દ્રો માટે રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક દ્વારા અનુદાનિત ત્રણ એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ત્રણે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ જાહેર સભામાં ભાજપના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીની ઉપસ્થિતિમાં શક્તિસિંહ ગોહિલે સ્પીચ દરમ્યાન કેન્દ્ર સરકાર પર માર્મિક પ્રહાર કર્યા હતા.

ગારિયાધાર તાલુકાના મોટી વાવડી, માનગઢ અને વેળાવદર ત્રણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક દ્વારા 54 લાખની માતબર ગ્રાન્ટમાથી ફાળવાયેલી ત્રણ એમ્બ્યુલન્સનો લોકાર્પણનો કાર્યક્રમ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ગારિયાધાર ભાજપના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, કનુભાઈ કળસરિયા, તળાજા કોંગ્રસના ધારાસભ્ય કનુભાઈ બારૈયા, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પ્રવિણ રાઠોડ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ પ્રસંગે યોજાયેલ જાહેર સભામાં બોલતા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકાર પર માર્મિક પ્રહાર કર્યા હતા. શક્તિસિંહે જણાવ્યું હતું કે, મુઠ્ઠીભર માણસોનો વિકાસ થાયએ સાચો વિકાસ નથી. જેની પાસે ખૂબ છે ત્યાંથી મેળવી સામાન્ય માણસને આપવામાં આવે એ વિકાસ છે, તેમણે જણાવ્યું હતું કે, લંકા સોનાની નગરી ગણાતી હતી એટલે રાવણ વિકાસ પુરુષ ગણાય પરંતુ સાચો વિકાસ પુરુષ હોત તો રામ તેનો વધ કરત ખરા, તેમણે જણાવ્યું હતું, શ્રીમંત ને શ્રીમંતના કહેવાય પણ જેની પાસે કૈક ઓછું છે અને જેની પાસે ખૂબ વધારે છે એ બંને વચ્ચે નું અંતર ખાળવા નો પ્રયાસ થાય એ સાચી લોકશાહી ગણાય.

(5:14 pm IST)