Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

મોરબી આરોગ્ય તંત્રની જાદુગરી : પાંચ માસ પૂર્વે અવસાન પામેલ નાગરિકને રસીનો બીજો ડોઝ આપી દીધો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૧: મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે મહા વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં રેકર્ડબ્રેક રસીકરણ કામગીરી કરાઈ હતી જોકે રસીકરણ કામગીરીમાં લાલિયાવાડી સામે આવી છે જેમાં મોરબીમાં એપ્રિલ માસમાં અવસાન પામેલ વૃદ્ઘને ૧૭ સપ્ટેમ્બરના રોજ રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હોય જેનું સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યું છે. મોરબીના સર્કીટ હાઉસ નજીકની સોસાયટીના રહેવાસી રાજેન્દ્રસિંહ જાડેજા નામના વૃદ્ઘ દ્વારા કોરોના મહામારીના પગલે તા. ૧૬ માર્ચના રોજ રસીનો પ્રથમ ડોઝ લેવામાં આવ્યો હતો અને બીજો ડોઝ લેવાનો બાકી હતો દરમિયાન તા. ૨૩ એપ્રિલના રોજ રાજેન્દ્રસિંહ જાડેજાનું અવસાન થયું હતું જોકે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે મેગા વેકસીનેશન કેમ્પ યોજાયો હતો જેમાં સ્વર્ગવાસી રાજેન્દ્રસિંહ જાડેજાને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હોય તેનું સર્ટીફીકેટ પણ ડાઉનલોડ થયું છે એટલે પાંચ માસ પૂર્વે રાજેન્દ્રસિંહ જાડેજાનું અવસાન થયું હતું છતાં ૧૭ સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીના જન્મદિવસ પ્રસંગે સ્વર્ગવાસી રાજેન્દ્રસિંહને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

આમ રસીકરણની સારી કામગીરી બતાવવા અને વાહવાહી લૂંટવા માટે સરકારી તંત્ર રસીકરણ કામગીરીમાં લાલિયાવાડી ચલાવી રહી છે કે પછી આ ટેકનીકલ એરર છે તે તપાસનો વિષય બની રહે છે જોકે પિતાના અવસાન બાદ પણ તેમને ૧૭ સપ્ટેમ્બરના રોજ રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હોવાનું સર્ટીફીકેટ મળતા તેમના પુત્ર ઓમદેવસિંહ જાડેજા સહિતના પરિવારજનોમાં રોષ ભભૂકયો છે અને તંત્ર સામે નારાજગી વ્યકત કરી છે.

(1:13 pm IST)