Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

જામનગર જિલ્લાના ૭૧ ગામોમાં અદ્યતન ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસ નિર્માણ પામશે

રેકોર્ડ રૂમ, ઇ-ગ્રામ સેવાઓ માટે અલાયદા રૂમની વ્યવસ્થા સાથે આગામી એક જ વર્ષમાં નવીન ગ્રામ પંચાયત ભવનો બનાવવામાં આવશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૧ : હવે જામનગરના ગ્રામ વિસ્તારોમાં પંચાયતી કાર્યોમાં વધુ સુલભતા આવશે.  જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતોને અદ્યતન બનાવી ગ્રામ વિકાસમાં પંચાયતના યોગદાનને વધુ સુદ્રઢ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ દ્વારા ઝુંબેશના ધોરણે અદ્યતન ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસ નિર્માણનું કામ હાથ ધરવામાં આવનાર છે. 

જામનગર જિલ્લાની અનેક ગ્રામ પંચાયત કચેરીઓના મકાનો અત્યંત જર્જરિત થઇ ગયેલ છે તેમજ જે તે સમયે ગ્રામ પંચાયત કચેરીનું નિર્માણ પણ ખૂબ જ નાના માપ-સાઈઝની ડિઝાઇનમાં બનેલ છે તે ધ્યાને આવતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ દ્વારા આજના સમયને અનુરૂપ મોટી જગ્યા, જેમાં રેકોર્ડ રૂમ, કચેરીની રોજ-બરોજની કામગીરી તેમજ ઇ-ગ્રામ સેવાઓ માટે અલાયદો રૂમ, તલાટી અને સરપંચની ઓફિસ, સુરક્ષા માટે કમ્પાઉન્ડ વોલ સહિતનું ગ્રામ પંચાયત ભવન હોવું તે પ્રાથમિક આવશ્યકતા રૂપ જણાયું હતું. સાથોસાથ પંચાયત કચેરીમાં જ તલાટી આવાસ હોય તો તલાટીમંત્રી પોતાની ફરજો વધુ સારી રીતે નિભાવીઙ્ગશકે તેમ અનુભવાયું હતું.

આ પ્રોજેકટમાં જે ગામોમાં (૧) ૨૫ વર્ષ કરતાં વધુ અને જર્જરીત મકાન હોય (૨) ૨૫ વર્ષ કરતા ઓછો સમય થયો હોય પણ જર્જરિત મકાન હોય અને (૩) ગ્રામ પંચાયત ઘર વિહોણા હોય તેવી ગ્રામ પંચાયતોની યાદી તૈયાર કરવામાં આવી. આ યાદીના ગામોમાં નવીન મકાન બનાવવા માટે પર્યાપ્ત જમીન પણ ઉપલબ્ધ કરાવાઈ, સાથોસાથ જર્જરિત થયેલ મકાનના ફોટોગ્રાફસ, ગ્રામ પંચાયતનનો ઠરાવ, નવું મકાન બનાવવા માટેની ચોક્કસ જગ્યા, દિશાસૂચક રફ સ્કેચ, ગામની વસ્તી સહિતની અન્ય આવશ્યક માહિતી તૈયાર કરી  જામનગર જિલ્લાના કુલ ૯૮ ગામોમાં નવીન પંચાયત ઘર બનાવવાનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો. જે અંતર્ગત વિકાસ કમિશનરશ્રી દ્વારા તાજેતરમાં જ ૭૧ ગ્રામ પંચાયત કચેરીઓ માટે ગ્રામ પંચાયત દીઠ રૂ.૧૪.૦૦ લાખ એટલે કે કુલ ૦૯.૯૪ કરોડના ખર્ચે મનરેગા મારફત નવા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસ બનાવવાની પરવાનગી આપવામાં આવેલ છે.

આ ૭૧ ગામમાં જામનગર તાલુકાના ૨૦, ધ્રોલ તાલુકાના ૪, જોડિયા તાલુકાના ૬, કાલાવડ તાલુકાના ૨૪, લાલપુર તાલુકાના ૧૨ અને જામજોધપુર તાલુકાના ૫ ગામોનો સમાવેશ કરાયો છે. જેમાં આગામી એક વર્ષ દરમિયાનમાં નવા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસ નિર્માણ પામશે તેમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલએ જણાવ્યું હતું.

(1:00 pm IST)