Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

વિસાવદરના ધારાસભ્યના પુત્ર - પિતરાઇ ભાઇ પર હુમલાની ઘટનામાં ૯ પૈકી ૩ની અટકાયત : આવારા તત્વોના આંતક સામે આખા ગામની જબ્બર એકતાના સચોટ દર્શન

શહેર સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યું : તમામ રાજકીય પક્ષો એક મંચ પર આવ્યા : ગામના ઇતિહાસમાં સૌથી જંગી રેલી નિકળી : જિલ્લા પોલીસ વડા દોડી આવ્યા : આગેવાનોને કડક કાર્યવાહીની ખાત્રી આપી

(યાસીન બ્લોચ) વિસાવદર તા.૨૧ : વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાના પુત્ર રાજન તથા પિતરાઇ ભાઈ રાજ પર હુમલાની ઘટના સંદર્ભે ૯ આરોપી પૈકી ૩ની અટકાયત કરાયાનુ જાણવા મળે છે. બાકીના અન્ય આરોપીઓની પોલીસ શોધખોળ ચલાવી રહી છે.

ગઈકાલે આવારા તત્વોનાં આતંક સામે વિસાવદર આખા ગામ-પંથકે જબરી એકતાના સચોટ દર્શન કરાવ્યાં હતાં.સમગ્ર શહેર સ્વયંભૂ સજજડ બંધ રહ્યું હતું.પક્ષાપક્ષીનાં ભેદ એકબાજુ રાખી તમામ રાજકીય પક્ષો આ પ્રશ્ને એકમંચ પર આવ્યા હતા.ગામના ઈતિહાસમાં સૌ પ્રથમ જંગી રેલી નીકળી હતી.લોકોના આક્રોશને પોલીસ તંત્રે પણ ગંભીરતાથી લીધુ હતુ.ઙ્ગ

વિસાવદર દોડી આવ્યા જિલ્લા પોલીસવડા અને ડીવાયએસપી

સમગ્ર બનાવને લઈને વિસાવદર ખાતે દોડી આવેલા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ રાજકીય આગેવાનો, વેપારીઓ સાથે બેઠકનો દોર કર્યો અને આવારા તત્વોને તાત્કાલિક ધરપકડ કરી કાયદાનું ભાન કરાવવાની ખાતરી આપી હતી. જેથી બપોર બાદ વિસાવદર શહેર ખુલી ગયું હતું. તથા વિસાવદર ખાતે જિલ્લા પોલીસ વડા શ્રી રવિતેજા વાસમશેટ્ટી પણ આવતા તેમને આ મામલે ધારાસભ્યે રજૂઆત કરી હતી.

ટેકેદારના ઘર પર હુમલો કરી તેની પત્નીના ચેઈનની લૂંટ ચલાવી હતી

વિસાવદરના ધારાસભ્ય સર્મથક હનુમાનપરામાં રહેતા હાર્દિક હરખાણીના ઘરે પણ આ આવારા ટોળકીએ આતંક મચાવ્યો હતો ઘરમાં ઘૂસી ઘરવખરીનો સામાન તોડફોડ કરી અને તેની પત્નીના સોનાના ચેનની લૂંટ ચલાવી હતી. અને તેની ગાડીમાં પણ તોડફોડ કરી હોવાનું અને આ ઘટના સીસીટીવીમાં પણ કેદહોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

વિસાવદરમાં ધારાસભ્યના પુત્ર અને તેના પિતરાઈ ભાઈ સામે ધાતક હુમલા મામલે ધારાસભ્યના પીતરાઈ ભાઈ રાજ રીબડીયાએ નવ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ત્રણ શખ્સોને રાઉન્ડઅપ કરી લીધા છે અને અન્ય આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે

આરોપીઓ સામે તલવાર લોખંડનો પાઈપ અને લાકડી વડે ગંભીર ઈજા, લૂંટ, ધાડ, રાયોટીંગની કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર મામલે વિસાવદરના ધારાસભ્યએ વિસાવદર આવેલા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી તમામની તાત્કાલિક પાસા હેઠળ ધરપકડ કરવાની માંગણી કરી છે. આવારા તત્વોની સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. જેથી પોલીસ તાત્કાલિક તેની સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા પણ વિસાવદર દોડી આવ્યા હતા. પોલીસે ૯માંથી ૩ શખ્સોને રાઉન્ડઅપ કર્યા છે. જયારે અન્યોની શોધખોળ હાથ ધરી છે.

(11:54 am IST)