Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

મુન્દ્રા હેરોઇન પ્રકરણમાં ચેન્નાઇની મહિલા વૈશાલી અને તેના પતિ સુધાકરના ૧૦ દિ'ના રિમાન્ડ

મુન્દ્રા અદાણી પોર્ટ ઉપરથી ૯૦૦૦ કરોડનું હેરોઇન ઝડપાયા બાદ તપાસનો ધમધમાટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૧ : અફઘાનિસ્તાનથી વાયા ઈરાન થઈને મુન્દ્રા અદાણી બંદરે ઉતરેલ ૯૦૦૦ હજાર કરોડના હેરોઈન પ્રકરણનું પગેરું ચેન્નાઇ પહોંચ્યું છે. વિજયવાડા આંધ્રપ્રદેશમાં આશી. ટ્રેડિંગ કુ. વ્યાપારી પેઢી ધરાવતું દંપતી વૈશાલી અને તેનો પતિ સુધાકર ચેન્નાઇ માં રહે છે. તેમણે ટેલકમ પાઉડરની આયાત તળે હેરોઈન મંગાવ્યું હતું.
ડીઆરઆઈએ આ પ્રકરણમાં આયાતકાર પાર્ટી આશી. ટ્રેડિંગ કુ. ના બન્ને ભાગીદારો વૈશાલી અને તેના પતિ સુધાકરની ધરપકડ કરી ભુજ જેલ હવાલે કર્યા હતા. આજે તેમને વીડિયો કોન્ફરન્સ દ્વારા ભુજની નાર્કોટિકસ કોર્ટમાં રજુ કરી સુનાવણી હાથ ધરાઇ હતી.
આ કેસમાં ડીઆરઆઇ વતી ખાસ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ વધુ તપાસ માટે ૧૪ દિવસની રિમાન્ડની માંગણી કરી હતી. નાર્કોટિકસ અદાલતના ખાસ જજ સી.એમ. પવારે ૩૦/૯ સુધી ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
દરમિયાન આરોપી દંપતીએ ભુજમાં તેમની કોઈ ઓળખાણ ન હોઈ કોર્ટ સમક્ષ બચાવ માટે વકીલ અંગે માંગણી કરતાં તેમને જિલ્લા લીગલ સર્વિસ પેનલના વકીલ કે.એમ. પટેલની સેવા પૂરી પાડવામાં આવી હતી.
 

 

(11:21 am IST)