Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

જયાબહેન ફાઉન્ડેશનના પરેશ પંડયા દ્વારા ૪૫૦૦ વર્ષ પ્રાચીન હરપ્પન સાઈટ રોજડી સુરક્ષીત કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજુઆત

રોજડી સ્થળ પર સાઈટ મ્યુઝીયમ બનાવી ત્યાંથી મળેલ પ્રાચીન વસ્તુઓ પ્રદર્શીત કરવી જોઈએ અહીંથી ૪૫૦૦ વર્ષ પહેલા ઉપયોગમાં લેવાતા ઘરેણા, વાસણો, ઓજારો વિગેરે મળી આવેલ છે પુરાત્વવિદ પી.પી.પંડયાએ બે વર્ષ ઉત્ખનન કરી કિલ્લેબંધ નગર રાજકોટ જીલ્લામાં શોધેલ સંશોધનનું મહત્વ સમજી પેન્સીલ્વેનીયા યુનિ.ના ડો.પોસેલે ૧૯૮૨માં વધુ ઉત્ખનન કર્યુ

રાજકોટ,તા.૨૦: રાજકોટ જીલ્લામાં ગોંડલ તાલુકાના રોજડી (શ્રીનાથગઢ) ગામ ખાતે ભાદર નદીના કિનારે ખુબ વિશાળ ટીંબા ઉપર ઉત્ખનન (ખોદકામ) કરી સુપ્રસિધ્ધ પુરાતત્વવિદ શ્રી પી.પી.પંડયાએ ૧૯૫૭-૫૮- ૧૯૫૮-૫૯માં કિલ્લેબંધ નગર શોધ્યુ હતું. જેની નોંધ વિશ્વભરમાં લેવાયેલ હતી.

રોજડી ખાતે થયેલ ઉત્ખનન દરમ્યાન ૪૫૦૦ વર્ષ પહેલાના માનવીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા હરપ્પીય વાસણો જેમા બહિગોળ વાટકાઓ, ઉભી સીધી બાજુવાળા  વાટકાઓ, હેન્ડલવાળા વાટકાઓ, ગોળ અને ગંઠેલ કાંઠાવાળા માટલાઓ, છીદ્રન્વિત કોઠીઓ, ઉભી ઉભણીવાળા વાસણો, પ્યાલા, ઘરેણા, ઓજારો વિવિધ માપના આડા લાંબા પાણી ભરવાના વાસણો વિગેરે મળી આવેલ. શ્રી જયાબહેન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પરેશ પંડયા જણાવે છે કે  આ ઐતહિસીક સ્થળને સાચવવુ તે આપણી ફરજ છે તે સ્થળને સંપૂર્ણ સુરક્ષીત રાખવામાં આવવુ જોઈએ. તે માટે આ પહેલા પણ આ વિભાગના ડાયરેકટર, રાજય સરકારના મંત્રી અને મુખ્યમંત્રીશ્રીને લેખીત રજુઆતો ફાઉન્ડેશન દ્વારા જુદા- જુદા સમયે કરવામાં આવેલ છે. તાજેતરમાં પણ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી માન.શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખીત રજુઆત કરવામાં આવેલ છે.

પરેશ પંડયા જણાવે છે કે આ એટલુ મહત્વનું સંશોધન હતુ કે તેના આશરે ૨૨-૨૩ વર્ષ પછી અમેરીકાના પેન્સીલ્વેનીયા યુનીવર્સીટીના પ્રો.ડો.જયોર્જ પોસેલ દ્વારા રોજડી ખાતે વધુ સંશોધન કરવા રાજય સરકાર પાસે મંજુરી માગવામાં આવેલ જેથી રાજય પુરાતત્વ વિભાગના આસી. ડાયરેકટરશ્રી  વાય.એમ. ચીતલવાલા સાથે ડો.પોસેલે વધુ સંશોધન કરેલ.

પરેશ પંડયા જણાવે છે કે વિદેશી પુરાતત્વવિદ ત્યાનુ મહત્વ સમજી વધુ સંશોધન માટે આવે છે. જયારે રાજયનું પુરાતત્વ વિભાગ  આજે સ્ટાફના અભાવે સાવ નિસ્ક્રીય છે, રોજડીની હરપ્પન સાઈટ પર જવાનો રસ્તો નથી રહ્યો, તે સ્થળ પર આજે કાટાંળા બાવળ- ઝાખરાના જંગલ થઈ ગયેલ છે.

પરેશ પંડયાએ આ અંગે ફરી રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીત રજુઆત કરેલ છે કે આ પ્રાચીન હરપ્પન સંસ્કૃતિના સ્થળને એકદમ સુરક્ષીત રાખવુ જોઈએ. સમગ્ર વિસ્તારને સાચવવો જોઈએ ત્યા જવાના સારો રસ્તો બનાવવો જોઈએ. તેમજ આજની અને આવતી પેઢીના સંસ્કૃતિ પ્રેમીઓ, ઈતહાસ પ્રેમીઓ, પુરાતત્વપ્રેમી, વિદ્યાર્થીઓને ૪૫૦૦ વર્ષ પહેલાનો માનવી તેના રોજીંદા કાર્યમાં શું ઉપયોગમાં લેતા, તેની રહેણીકરણી કેવી હતી, તેની જાણકારી મળે તે માટે તે સ્થળ પર સાઈટ મ્યુઝીયમ બનાવવું જોઈએ અને તેમા ત્યાથી ઉત્ખનન દ્વારા મળી આવેલ વસ્તુઓને પ્રદર્શીત  કરવી જોઈએ.

પરેશ પંડયા જણાવે છે કે દુનિયામાં છ થી સાત દેશોમાં હજારો  વર્ષ પ્રાચીન સંસ્કૃતિઓ છે જે આપણા રાજયમાં પણ છે ત્યારે તેને સાચવવાની જવાબદારી અનેક ગણી વધી જાય છે. અમુક દેશની સરકાર અને ત્યાંની જનતા ત્યાની ૮૦૦- ૧૦૦૦ વર્ષ પ્રાચીન સંસ્કૃતિને જીવનની જેમ સાચવે છે  તેના માટે ગર્વ લ્યે છે.

પરેશ પંડયા આગળ જણાવે છે કે હકીકતમાં રાજય સરકારમાં પુરાતત્વ વિભાગનું સ્વતંત્ર મંત્રાલય હોવુ જોઈએ વધુ પ્રમાણમાં બજેટ ફાળવવુ જોઈએ અને સંસ્કૃતિને, પ્રાચીન સંસ્કૃતિને સમજી શકે તેવા વિધ્વાન કેબીનેટ કક્ષાના મંત્રી પાસે કાર્યભાર હોવો જોઈએ. ગુજરાત સમૃધ્ધ રાજય છે છતાં બીજા અનેક રાજયોની સરખામણીમાં પ્રાચીન સ્મારકો સાચવવામાં નવા શોધવામાં, તેના પ્રચારમાં, પાઠય પુસ્તકમાં તેને યોગ્ય સ્થાન આપવામાં ઘણુ પાછળ છે. રાજય સરકારનો પુરાતત્વ વિભાગમાં ઘણો ઓછો સ્ટાફ છે. રાજકોટ સર્કલ ઓફીસમાં ૧૦ જિલ્લાનું કાર્યક્ષેત્ર પણ કર્મચારી ફકત એક છે. કચ્છ સર્કલ ઓફીસમાં પણ સ્ટાફ નથી. આ સ્થિતીમાં આપણી અમુલ્ય પ્રાચીન વિરાસત કેમ સચવાશે? આપણે સંસ્કૃતિ માટે ચર્ચા કરીએ. તેના માટે ગર્વ લઈએ પણ જો તેને સાચવવાના પગલા ના લઈ શકીએ તો તે ખરેખર અફસોસ જનક, શરમજનક બાબત નથી?

શ્રી જયાબહેન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પરેશ પંડયા અંતમાં જણાવે છે કે રાજય સરકારે રાજયની દરેક સરકારી યુનિવર્સીટીઓમાં પુરાતત્વ વિષયનો અભ્યાસ શરૂ કરાવવો જોઈએ. પાઠય પુસ્તક મંડળના વિષય નિષ્ણાતોને પ્રાચીન વિરાસતોની મુલાકાત લઈ તેને પાઠય પુસ્તકમાં યોગ્ય સ્થાન આપવાનો અને પુરાતત્વ વિભાગમાં સેટઅપ પ્રમાણે પુરતો સ્ટાફ મળે તે પ્રમાણે આદેશ કરવો જોઈએ.

પરેશભાઈ પંડયા

મો.૯૪૨૯૫ ૭૧૬૬૩

(11:04 am IST)