Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

અભિનંદન : કેશોદના રઘુવંશી અગ્રણીઓએ સ્થળ ઉપર જ રૂ.પ લાખના દાનની જાહેરાત કરી

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા.૨૧ : સૌરાષ્ટ્રના સમગ્ર રઘુવંશી સમાજનો હાઇવે ટચ એકમાત્ર પાર્ટી પ્લોટમા બે રૂમની જરૂરીયાત ઉભી થતા ચર્ચા માટે બોલાવાયેલ સ્થાનિકના આશરે પચાસેક જ્ઞાતી આગેવાનોની બેઠકમાં આ બે રૂમ માટે સ્થળ ઉપર જ આશરે રૂ.પ લાખના દાનની જાહેરાત કરી કેશોદ રઘુવંશી સમાજની એકતા અને જ્ઞાતિ ભાવનાનું એક નમુનારૂપ ઉદાહરણ પુરૂ પાડયુ હતુ.

જૂનાગઢ હાઇવે ઉપર ૩ વર્ષ પહેલા જ બનાવવામાં આવેલા ઉપરોકત પાર્ટી પ્લોટમાં અલગ અલગ પ્રસંગે બે રૂમની જરૂરીયાત ઉભી થતી હતી. આ સ્થિતીનો કાયમી ઉકેલ લાવવા માટે લોહાણા મહાજન ટ્રસ્ટી મંડળના પ્રમુખ ગોવિંદભાઇ દેવાણીએ સ્થાનિકના આશરે પચાસેક રઘુવંશી આગેવાનોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઉપરોકત જરૂરીયાત જણાવી જે રઘુવંશી રૂ.૧૧ હજાર અત્યારે આપે તે રઘુવંશીને અથવા તેના પ્રતિનિધિને તા. ૩૧-૩-૨૦૨૪ સુધીમાં એક દિવસ માટે કોઇપણ સારા પ્રસંગ માટે વહેલા તે પહેલાના ધોરણે પાર્ટી પ્લોટ વિનામુલ્યે આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના અનુસંધાનમાં કુલ ૩૫ જણાએ રૂ.૧૧-૧૧ હજાર આપવાની સ્થળ ઉપર જ જાહેરાત કરતા આશરે રૂ.પ લાખની રકમ એકઠી થઇ હતી.

આ પ્રસંગે ઇ એન ટી સ્પેશ્યાલીસ્ટ ડો.અજયભાઇ સાંગાણીએ કહ્યુ હતુ કે આ રકમ સમાજને આપવાની નથી પરંતુ તા.૩૧-૩-૨૦૨૪ સુધીમા આપણે ત્યા આવનારા શુભ પ્રસંગ માટે જગ્યા બુક કરાવવાની વાત છે. અત્યારની આર્થિક સ્થિતીમાં કોઇ પાસે આટલી રકમ માંગવી એ થોડુ મુશ્કેલ કામ છે. અશકય નથી પરંતુ આ સ્કીમથી આ રકમ સહેલાઇથી પ્રાપ્ત થઇ શકે તેમ છે.

જયારે ઝેરી રોગોના નિષ્ણાંત ડો.સ્નેહલ તન્નાએ કહેલુ કે આ પાર્ટી પ્લોટ સાથે સમાજની અન્ય સંસ્થા ઉપર પણ આટલુ જ ધ્યાન આપવુ જરૂરી છે અને આ સંસ્થાઓ નિરંતર પ્રગતી કરતી રહે તે માટે સેકન્ડ કેડરની યંગ વહીવટી ટીમ ઉભી કરવી આજના સમયની તાતી જરૂરીયાત છે.

નગરપાલીકા પી.આર.ઓ. પ્રવિણભાઇ વિઠલાણીએ કાર્યક્રમનું સંચાલન કરતા જણાવ્યુ કે સમાજના વિકાસ માટે નવા નવા વિચારો અને કામો થવા જરૂરી છે. તેમા જો આગળ નહી વધીએ તો સમાજ પ્રગતી કરી શકશે નહી અને સમાજ પ્રગતી કરે તે નાના મોટા તમામ રઘુવંશીઓ માટે પાયાની જરૂરીયાત છે.

અંતમા અભૂતપુર્વ સહકાર અને તમામનો આભાર વ્યકત કરતા ગોવિંદભાઇ દેવાણીએ જણાવેલુ કે આ સમાજમા ૧૨ વર્ષ મંત્રી તરીકે ર વર્ષ ઉપપ્રમુખ તરીકે અને ૨૧ વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપુ છુ. અત્યારે ૮૦ વર્ષની ઉમર થઇ છે. કહો કે ઉમરના ૫૦% વર્ષો આ સમાજની સેવામાં પસાર કર્યા છે. હવે યુવા કેડર તૈયાર કરી આ સંસ્થાનો વહીવટ તેમના હાથમા સોપી દેવાની તીવ્ર ઇચ્છા છે. આ સમાજે આટલા વર્ષો દરમિયાન ખૂબ જ સહકાર, પ્રતિષ્ઠા અને માન આપેલા છે જે કયારેય ભૂલી શકાય તેમ નથી.

આ કાર્યક્રમમાં ૧) કે.ટી.દેવાણી (ર) નરેશભાઇ દાવડા (૩) મનસુખભાઇ કારીયા (૪) વિનુભાઇ સરૈયા (પ) ગીરીશભાઇ ખોડા (૬) મનીષભાઇ રાયચુરા (૭) વજુભાઇ ઉનડકટ (૮) મુકુંદભાઇ હિંડોચા વકીલ સહિત આશરે પચાસેક આગેવાનો હાજર રહ્યા હતા.

આ બેઠકમા ઉપર મુજબનો અભુતપુર્વ સહકાર અને બંધુત્વની ભાવના બતાવી કેશોદ લોહાણા સમાજે ફરી એક વખત નમુના રૂપ કર્યુ હતુ. જે અન્ય સમાજ માટે અભિનંદન રૂપ પુરવાર થયુ હતુ.

(10:58 am IST)