Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

મુન્દ્રા પોર્ટ ઉપર ઝડપાયેલ હેરોઇનની કિંમત ૨૧ હજાર કરોડઃ દુનિયાનો સૌથી મોટો જથ્થો

આતંકવાદ સાથે જોડતી કડીઓ?: નશાના રવાડે દેશને બરબાદ કરવાનું કાવતરૂ, વધુ ત્રણને દબોચી લેવાયા, દિલ્હી, અમદાવાદ, ગાંધીધામ, રાજસ્થાન સુધી તપાસ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૧: મુન્દ્રા અદાણી પોર્ટ ઉપર ઝડપાયેલ ૩૦૦૦ કિલો હેરોઈનના જથ્થાએ દેશની સલામતીને જોડતા અનેક સવાલો સજર્યા છે. આ પ્રકરણમાં વધુ ત્રણ જણાને ઉઠાવાયા છે. જેમાં દિલ્હી રહેતા બે અફઘાની નાગરિકો છે. જયારે અમદાવાદ, દિલ્હી, ગાંધીધામ સહિત અન્ય શહેરોમાં વધુ તપાસ હાથ ધરાઇ છે. જોકે, અત્યારે વધુ કોઈ માહિતી સત્ત્।ાવાર અપાતી નથી. આ ષડયંત્ર દેશને બરબાદ કરે તેવું હોઈ આ પ્રકરણમાં માત્ર ડીઆરઆઈ કે કસ્ટમ નહીં પણ અન્ય એજન્સીઓ નાર્કોટિકસ બ્યુરો, એન.આઈ.એ. અને અન્ય સુરક્ષા એજન્સીઓ તેમ જ ગુપ્તચર તંત્રો સાથે નાણાકીય ગતિવિધિઓ ઉપર વોચ રાખતી એજન્સીઓ પણ તપાસમાં જોડાય તો મૂળ સુધીની નવી કડીઓ ખુલશે. આ પ્રકરણની તપાસ કરતી એજન્સીનું માનીએ તો, મુન્દ્રા પોર્ટ ઉપર ઝડપાયેલ હેરોઈનનો આ દુનિયાનો અત્યાર સુધીનો ઝડપાયેલ સૌથી વધુ જથ્થો છે. આ હેરોઈન શુદ્ઘ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિલો શુદ્ઘ હેરોઈનની કિંમત ૭ કરોડ રૂપિયા છે. તે જોતાં મુન્દ્રા અદાણી પોર્ટ ઉપર અફદ્યાનિસ્તાનથી વાયા ઈરાન થઈને આવેલ આ હેરોઈનની બજાર કિંમત ૨૧ હજાર કરોડ રૂપિયા થવા જાય છે. આટલી મોટી માત્રામાં આવેલ કેફી દ્રવ્યનો જથ્થો એ દેશને બરબાદ કરવાનું કાવતરું છે. વિજયવાડા પોલીસના જણાવ્યા પ્રમાણે હેરોઈનનો જથ્થો મંગાવનાર આશી. ટ્રેડિંગ કુ. દ્વારા આ માલ દિલ્હી બાજુ મોકલવાનો હતો. તે જોતાં આ કાવતરાની જાળ આતંકવાદીઓ સુધી ફેલાયેલી હોઈ શકે છે. તો, તેની કડીઓ આઈએસઆઈ અને આઈએસઆઈએસ જેવા સંગઠનો સાથે પણ હોઈ શકે છે. કેન્દ્ર સરકારે આ જાળ ભેદવા દેશની ટોચની સુરક્ષા એજન્સીઓને સાથે જોડવી પડશે. વિજયવાડામાં નોંધાયેલી આશી. ટ્રેડિંગ ની પેઢીના માલિકો વૈશાલી તેમ જ સુધાકર ચેન્નાઇ રહે છે. ખરેખર તેઓ આટલો મોટો બિઝનેસ ધરાવે છે? આવા અનેક સવાલો ઉકેલવા પડશે કેફી દ્રવ્યોનો આ મામલો અસામાન્ય છે અને દેશની સુરક્ષા સાથે જોડાયેલો છે, એ સમજી તેના મૂળ સુધી પહોંચવું પડશે.

(10:19 am IST)