Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

જુનાગઢના શાપુરના સ્‍મશાનમાં અંતિમવિધી સમયે ચિતા ઉપર પાણી પડતા ભારે આક્રોશ : તાબડતોબ કામગીરી શરૂ કરવા માંગ

તસ્‍વીરમાં ચિતા ઉપર પાણી પડતા રોષ ફેલાયો હતો જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

જૂનાગઢ તા. ૨૧ : મૃત્‍યુ પામનાર લોકો માટે છેલ્લો વિસામો તરીકે ઓળખવામાં આવે છે તે શાપુર સ્‍મશાન ખાતે મોત નો મલાજો ન જળવાતો હોય તેમ સળગતી ચિતા પર છતમાંથી પાણીનો ધોધ પડતો વિડિઓ ગ્રામજનો દ્વારા વાઇરલ થતા ચકચાર મચી જવા પામી છે.

બે દિવસ અગાઉ જૂનાગઢ શાપુર ગામે એક યુવાનનું મૃત્‍યુ થતા લોકો તેને અગ્નિદાહ માટે સ્‍મશાને લઇ ગયા હતા. શબને અગ્નિદાહ દીધા બાદ સ્‍મશાનની ઓરડીની છતમાંથી પાણી સળગતી ચિતા પર પડતા ગામલોકો અવાચક બની ગયા હતા અને ચિતા પર પાણી ન પડે તે માટે પતરાની આડશ ગોઠવવી પડી હતી.

ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્‍યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી સ્‍મશાન બદતર હાલતમાં છે. ચોમાસામાં અહીં કાદવ કીચડ હોય લોકો ઉભી કે ચાલી પણ શકતા નથી. સ્‍મશાનની ઓરડી જર્જરિત હાલતમાં હોય ગમે ત્‍યારે પડી જાય તેમ છે.  આ અંગે રાજકીય નેતાઓ અંગત રસ લઇ સ્‍મશાનની કામગીરી તાત્‍કાલિક શરૂ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે.

(1:37 pm IST)