Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

રાજકોટ, ઊના, ખાંભા, ગીર સહિત સૌરાષ્ટ્રમાં મેઘમહેર

ગોંડલમાં અઢી ઈંચ : ઉમેજમાં મકાન ધરાશાયી : દ્રોણેશ્વર તેમજ મછુન્દ્રી ડેમ ઓવરફ્લો થયા : મોરબીનાં બરવાળામાં ન્હાવા પડેલા બે બાળકોનાં ડૂબી જવાથી મોત

અમદાવાદ, તા.૨૧ સૌરાષ્ટ્રમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઊના, ખાંભા સહિત ગીર પંથકમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટીંગ શરૂ કરી દીધી હતી. રાજકોટના ગોંડલમાં પણ અત્યાર સુધીમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે સમગ્ર પંથકમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ મોરબીનાં બરવાળામાં ન્હાવા પડેલા બે બાળકોનાં ડૂબી જવાથી મોત નીપજ્તાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જૂનાગઢ, ગોંડલ, ધોરાજી, ગીર-સોમનાથ સિહત સમગ્ર સૌરાષ્ટ્રના પંથકોમાં આજે પણ જોરદાર મેઘમેહર ચાલુ રહી હતી. ગીર પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે ફરી એકવાર દ્રોણેશ્વર ડેમ છલકાયો હતો. ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ હતી. દ્વોણેશ્વર કોઝવે પર પાણી આવતા ઈટાવાયા, ફાટસર, ખિલાવડ સહિતના ગામોનો રોડ બંધ થઈ ગયો હતો.

              બીજી તરફ ઉનાની મછુન્દ્રી નદીમાં ધોડાપુર આવતા નદી બે કાંઠે વહેતી થઇ હતી ત્યારે મછુન્દ્ર નદી ઉપરના ઉના ભાવનગર પુલ પર યુવાનો જોખમી છલાંગ લગાવતા જોવા મળ્યાં હતા. ગીર ઉપર વાસમાં ધોધમાર વરસાદના કારણે રાવલ ડેમમાં પાણીની આવક વધી ગઇ હતી. જેથી રાવલ નદી પણ ગાંડીતૂર બનીને વહી રહી હતી. ભારે વરસાદના કારણે અમોદ્વારા અને વાજડી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે ધીમીધારે વરસાદનું આગમન થયું હતુ. ગોંડલ, ઉપલેટા, ધોરાજી, મેટોળા જીઆઇડીસી સહિતના વિસ્તારમા ધીમીધારે વરસાદ નોંધાયો હતો. અસહ્ય બફારા બાદ અચાનક પવન સાથે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે વહેલી સવારથી જ ઊનાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. ઉમેજ, કાંધી અને ભાચા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ સાથે જ કોડીનારનાં ઘાટવડ, નગડલા અને જામવાળા સહિતના ગીરના ગામોમાં વરસાદ પડ્યો હતો. બીજી તરફ સુત્રાપાડાના પ્રાચી, ગાંગેથા, પ્રાસલી, ટીમડી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ખાંભા અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ખાંભાના ખાડધાર, બોરાળા, ચક્રવા, ધૂધવાના, ડેડાણ, ત્રાકુંડા, જામડા અને બારમણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ગીર પંથકમાં પડી રહેલા વરસાદના પગલે ઉમેજમાં એક મકાન ધરાશાયી થયું હતું, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

આમ, કાચા મકાનો હોવાના કારણે ચોમાસામાં વરસાદ પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આ ચોમાસામાં ગામડાઓમાં ૧૨થી વધુ કાચા મકાન ધરાશાયી થયા હોવાની ઘટના નોંધાઇ છે. ગીર પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે ફરી એકવાર દ્રોણેશ્વર ડેમ છલકાયો હતો. ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ હતી. દ્વોણેશ્વર કોઝવે પર પાણી આવતા ઈટાવાયા, ફાટસર, ખિલાવડ સહિચના ગામોનો રોડ બંધ થઈ ગયો હતો. બીજી તરફ મોરબીનાં બરવાળામાં તળાવમાં ન્હાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં હતા, જેને લઈને પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

(9:19 pm IST)