Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

વિછીયામાં મુકેશ કોળી પર કુલદીપ કાઠીએ ફાયરીંગ કરતાં બેઠકમાં ગોળી ખુંપી ગઇઃ રાજકોટ ખસેડાયો

ત્રણ વર્ષ પહેલા જન્માષ્ટમીના તહેવારમાં કુલદીપના પિતાએ દારૂ પી માથાકુટ કરી હોઇ ઠપકો આપતાં મનદુઃખ ચાલતુ'તું: ખાર રાખી કુલદીપ સહિત ચાર શખ્સો કારમાં આવ્યા ને ભડાકો કરી ભાગી ગયા

રાજકોટ તા. ૨૧: વિછીયા રહેતાં અને જસદણ-વિછીયા રોડ પર ઓફસેટ પ્રિન્ટીંગની દૂકાન ધરાવતાં કોળી યુવાન પર સાંજે તે પોતાની દૂકાને હતો ત્યારે બોટાદના કાઠી શખ્સે બીજા ત્રણ સાથે કારમાં આવી ફાયરીંગ કરતાં કોળી યુવાનને બેઠકમાં ગોળી ખુંપી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. ત્રણ વર્ષ જુના મનદુઃખને કારણે આ ભડાકો કરવામાં આવ્યાનું કોળી યુવાને જણાવતાં પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વિછીયામાં રહેતો મુકેશ મનસુખભાઇ રાજપરા (ઉ.૩૫) નામનો તળપદા કોળી યુવાન સાંજે છએક વાગ્યે જસદણ-વિછીયા રોડ પર આવેલી પોતાની ઓફસેટ પ્રિન્ટીંગની દૂકાન બહાર મિત્રો સાથે બેઠો હતો ત્યારે બોટાદના કુલદીપ શિવકુભાઇ કાઠીએ હથીયારથી ફાયરીંગ કરતાં પડખામાં ગોળી વાગી જતાં રાજકોટ દાખલ કરાયો છે. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ અને ધર્મેશભાઇએ જસદણ પોલીસને જાણ કરી હતી.

મુકેશના કહેવા મુજબ તે બે ભાઇ અને એક બહેનમાં મોટો છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. પોતે ગામમાં સામાજીક કાર્યકર પણ હોઇ દર વર્ષે જન્માષ્ટમી સહિતના તહેવારોની ઉજવણીના કાર્યક્રમોમાં સામેલ થાય છે. ત્રણ વર્ષ પહેલા જન્માષ્ટમીના તહેવાર વખતે કુલદીપ કાઠીના પિતા શિવકુભાઇએ દારૂ પી માથાકુટ કરી હોઇ જે તે વખતે તેને ઠપકો આપ્યો હતો. ત્યારથી કુલદીપ મનદુઃખ રાખી અવાર-નવાર ડખ્ખા કરતો હતો. થોડા મહિના પહેલા પણ દૂકાને આવી કયાં છે મુકેશ? એવા બૂમબરાડા પાડી ગયો હતો અને ગત સાંજે સફેદ રંગની કારમાં કુલદીપ બીજા ત્રણ શખ્સો સાથે આવ્યો હતો અને ફાયરીંગ કરી ભાગી ગયો હતો.

મુકેશની આ કેફીયતને આધારે પોલીસે ગુનો નોંધવા તજવીજ કરી તપાસ શરૂ કરી છે.

રાતે દાખલ થયા છતાં સવાર સુધી ઓપરેશનમાં ન લઇ જવાયાનો આક્ષેપ

. મુકેશના સ્વજનો, મિત્રોએ જણાવ્યું હતું એકસ-રે સહિતના રિપોર્ટમાં ગોળી પડખામાં ખુંપેલી હોવાનું સ્પષ્ટ દેખાતું હોઇ તાકીદે ઓપરેશન કરવાની જરૂર હતી. રાત્રીના નવેક વાગ્યે દાખલ થયા છતાં સવારના સાત સુધી ઓપરેશનમાં લઇ જવાયા હતાં. તબિબોએ યોગ્ય જવાબ પણ નહિ આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. 

(2:38 pm IST)