Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

જસદણ પાલિકાનાં વધુ એક ભાજપના જ સભ્યએ પ્રમુખ મનમાની કરતા હોવાનો કર્યો આક્ષેપ

બીજા વોર્ડમાં ઓછી ગ્રાન્ટની ફાળવણી કરી પોતાના વોર્ડમાં અડધી ગ્રાંટ લઇ જતા અને નિયમ વિરૂધ્ધ રસ્તાના કામોની મંજૂરી આપતા ઉચ્ચ કક્ષાએ ફરીયાદ

આટકોટ તા. ર૧ :.. જસદણમાં પાલિકામાં સત્તાધારી ભાજપનાં સભ્યો વચ્ચે આંતરીક ખટપટ અને એક-બીજા વચ્ચે આક્ષેપો સમવાનું નામ જ ન લેતા હોય તેમ ગઇકાલે મહિલા સદ્સ્યએ પ્રમુખ મનમાની અને ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ કર્યા બાદ આજે વધુ એક ભાજપના જ સદસ્યએ શહેરનાં વિકાસ કામો માટે આવેલી ગ્રાંટ પ્રમુખો પોતાના વોર્ડમાં વધુ લઇ લીધી હોવાનો ખુલ્લો આક્ષેપ કરતા સ્થાનીક રાજકારણ ગરમાયું છે.

આ અંગે જસદણ વોર્ડ નં. ૭ ના ભાજપનાં જ સભ્ય અને પૂર્વ પાલિકા પ્રમુખ દીપુભાઇ ગીડાએ ઉચ્ચ અધિકારીઓને કરેલ લેખીત ફરીયાદમાં જણાવ્યું છે કે તાજેતરમાં રાજય સરકાર દ્વારા જસદણ પાલિકામાં સવા બે કરોડની ગ્રાંટ શહેરના વિકાસ માટે આપેલી આ ગ્રાંટ જરૂરીયાત મુજબ દરેક વોર્ડમાં વાપરવાની હતી.

આમ છતાં પ્રમુખ જીજ્ઞેશનભાઇ હીરપરાએ પોતાના તેમજ તેમનાં માનીતા સભ્યનાં વોર્ડમાં અડધી ગ્રાંટ વાપરી નાખી અને બાકીના વોર્ડમાં ઓછી ગ્રાંટ આપી હોવાનો આક્ષેપ કર્યો છે.

પ્રમુખે બીજા બધા વોર્ડમાં ઓછી ગ્રાંટ આપી પોતાના વોર્ડમાં એક કરોડ ત્રણ લાખ જેટલી ગ્રાંટ લઇ પોતાની મનમાની કરી હોવાનું જણાવ્યું છે.

દીપુભાઇ ગીડાએ વધુમાં જણાવ્યું છે કે પાલિકાનાં પ્રમુખ જીજ્ઞેશભાઇ હીરપરાએ પોતાની માલિકીની બીન ખેતી થયેલ જગ્યામાં પણ રોડ રસ્તા મંજૂર કર્યા છે તે ગેરકાયદેસર છે.

આ ઉપરાંત વોર્ડ નં. પ ના સદસ્ય નરેશભાઇ ચોહલીયાની માલીકીની બાયપાસ રોડ ઉપર પ્લોટીંગની જગ્યામાં પણ રોડ રસ્તાનાં કામોમાં ગ્રાંટ ફાળવી પ્રજાનાં પૈસાનો ધુમાડો કર્યો છે.

તેમણે જણાવ્યું છે કે પાલિકા આવા કિસ્સામાં બીન ખેતી કરાવનારને એન. ઓ. સી. એ શરતે જ આપતી હોય છે કે બીન ખેતીના પ્લોટમાં રોડ રસ્તા બીન ખેતી કરાવનારે જ બનાવવાનાં હોય છે પરંતુ આ કિસ્સામાં કાયદાનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે.

જસદણમાં અમુક વિસ્તારોમાં વર્ષોથી વિકાસના કામો ન થયા હોય અને ત્યાં વિકાસનાં કામોની જરૂરીયાત હોવા છતાં ત્યાં કામો કરવાનાં બદલે માનીતા વિસ્તારોમાં ગ્રાન્ટનો દુરઉપયોગ કર્યો હોય યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે હજૂ ગઇકાલે ભાજપના જ સદસ્ય વર્ષાબેન સખીયાએ પણ પ્રમુખ મનમાની કરતાં હોવાનો અને ભ્રષ્ટાચારનો ખુલ્લો આક્ષેપ કર્યો હતો આજે ફરી ભાજપના જ બીજા સદસ્ય દીપુભાઇ ગીડાએ પણ ઉચ્ચ કક્ષાએ લેખીત ફરીયાદ કરતાં સ્થાનીક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

(1:35 pm IST)