Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

પહેલા ટ્રેનના પાટા, હવે બિમારી- ઇનફાઇટથી મોતઃ વનરાજોની માઠી

વારંવાર સિંહ-સિંહણ અને બાળસિંહોના મોતથી જીવદયા પ્રેમીઓમાં અરેરાટી

અમરેલી તા.૨૧: અમરેલી જિલ્લામાં વનરાજોની માઠી બેઠી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. પહેલા ટ્રેનની હડફેટે વારંવાર સિંહોના મોતની ઘટના સર્જાતી હતી. ત્યારબાદ હવે બિમારી અને ઇનફાઇટમાં વનરાજોના મોત થતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

લીલીયા

(મનોજ જોષી દ્વારા) લીલીયા : ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં જ છેલ્લા દસ દિવસ દરમ્યાન ૧૧ સાવજોના મોત થયાની ઘટના બહાર આવતા હાહાકાર મચ્યો છે. સાવજોની રક્ષામાં નિષ્ફળ વન અધિકારીઓએ સાવજોના મોતની આ ઘટના છૂપાવવા તનતોડ પ્રયાસ કર્યો હતો.

જે ઘણી શંકા ઉપજાવે છે. ચાર સાવજો અને ત્રણ સિંહ બાળના મોત બિમારીના કારણે થતા સાવજોમાં કોઇ ભેદી વાઇરસ ફેલાયાની શંકાએ પણ તપાસ જરૂરી બની છે. આ સીલસીલો દસ દિવસ પહેલા શરૂ થયો હતો. જયા એક સિંહણને પામવા સિંહે  તેના ત્રણ બચ્ચાને મારી નાખ્યા હતાં. દરમિયાન આટલા સમય ગાળામાં અલગ - અલગ સ્થળે ત્રણ બચ્ચા બિમાર હાલતમાં મળતા સારવાર માટે બે બચ્ચાને જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડયા હતાં.

જયારે એક જુનાગઢ ઝૂમા ખસેડાયુ હતું જયા ત્રણેયનું મોત થયું હતું. છેલ્લા ચાર દિવસના ગાળામાં ચાર અલગ અલગ સ્થળે ત્રણ સિંહણ અને એક સિંહના મૃતદેહ મળી આવ્યા હતાં. જે તમામ સાવજોના મોત ફેફસા અને લીવરમાં ઇન્ફેકશનના કારણે થયાનું જણાવાયું હતું. જયારે ગઇકાલે એક મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો ને એટલી હદે કોહવાયેલી હાલતમાં હતો કે સિંહનો છે કે સિંહણનો તે પણ નકકી થઇ શકયું નથી.

આ ૧૧ સાવજો પેૈકી ત્રણ સિંહબાળના મોત ઇનફાઇટમાં થયાં છે. બાકીના તમામ આઠના મોતને કોઇને કોઇ બિમારી કારણભુત જણાય છે. ત્યારે સવાલ એ ઉઠયો છે કે શું આ વિસ્તારમાં સાવજોમાં કોઇ ભેદી વાયરસતો ફરી વળ્યો નથી ને? દલખાણીયા રેંજમાં જો આ સીલસીલો ચાલુ રહેશે તો આ રેંજમાંથી સાવજો નામશેષ થઇ જશે.

આવીજ રીતે લીલીયા બૃદહગીર વિસ્તારમાં સોૈથી વયોવૃદ્ધ રાજમાતા સિંહણનું સિંહબાળ પણ એક માસથી લાપતા બન્યું છે. આ અંગે સ્થાનિક લોકોએ અવારનવાર જિલ્લા વન અધિકારીને લેખીત -મોૈખિક સિંહબાળની હયાતી કરવા અંગે માંગણીઓ કરી હોવા છતાં જિલ્લા વનતંત્રના અધિકારીઓ સબસલામત હોવાના ગાણા ગાઇ રહયાં છે.

તેવા સમયે ઉચ્ચ કક્ષાએથી રાજમાતા સિંહના પ માસના સિંહબાળની હયાતીની ખરાઇ કરવામાં આવે તો સિંહબાળની સાચી હકીકત બહાર આવે તેવુ સ્થાનિક લોકોમાં ચર્ચાય રહયું છે. હાલતો વન તંત્રની કામગીરી પર ચર્ચા ચાલી રહી છે.

(1:33 pm IST)