Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

સતી,શૂરા,સિંહ અને સંતોના નિવાસથી અનેરી ભાત પડનારો પ્રદેશ એટલે નાધેર-બાબરિયાવાડ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી

મચ્છુન્દ્રી નદીને કિનારે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની સાનિધ્યમાં દ્રોણેશ્વર ગુરુકુલમાં ઉજવાયેલ જળઝીલણી મહોત્સવ : ઉત્સવ પરંપરા જીવનમાં સદાચાર,પ્રેમ અને ભક્તિની નિર્મળ ભાવનાને પ્રગટાવે છે.: પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી

ઉના તા.૨૦ શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મચ્છુન્દ્રી નદીને કિનારે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની સાનિધ્યમાં દ્રોણેશ્વર ગુરુકુલના પરિસરમાં જલઝીલણી મહોત્સવ ઉજવાયો હતો.

  આ પ્રસંગે ઉના,ફાટસર,ઇંટવાયા,ખીલાવડ,દ્રોણ,અંબાડા,વડવીયાળા, ઝરગલી, ગીર ગઢડા, મોતીસર, વડલી નવા-જુના ઉગલા, વગેરે ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા.

શરુઆતમાં દ્રોણેશ્વર ગુરુકુલથી ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ગુરુકુલ શાળાના 1100 બહેનો અને ભાઇઓ રાસ,લેઝીમ અને નૃત્ય સાથે જોડાયા હતા..

સાંખ્યયોગી બહેનો દ્વારા પ્રથમ આરતી બાદ ઠાકોરજીને હોડીમાં પધરાવી જળયાત્રા જળવિહાર કરવામાં આવ્યો હતો.

પ્રથમ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી તેમજ વિશ્વવિહારી સ્વામીએ મચ્છુન્દ્રી ગંગાનું પૂજન કર્યું હતું. ત્યારબાદ ઠાકોરજીને હોડીમાં પધરાવી વારાફરતી ચાર આરતી કરી હતી.

         આ પ્રસંગે વિદેશ વિચરણ કરી રહેલ પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોનથી આશિર્વાદ આપતા જણાવ્યુ હતું કે સતી, શૂરા, સિંહ અને સંતોના નિવાસથી અનેરી ભાત પડનારો પ્રદેશ એટલે નાધેર-બાબરિયાવાડ. શા.ધર્મજીવનદાસજી સ્વામી,પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા જોગી સ્વામીએ આ નાઘેર પ્રદેશના ગામડે ગામડે ફરી ફરીને સત્સંગને નવપલ્લવિત રાખેલ છે.

નોળિયો અને સર્પની વાત કરતા સ્વામીએ જણાવેલ કે આ સંસારમા સતત સર્પના ડંશ વાગતા હોય છે. સંસાર રુપી ઝેર ઉતારવા માટે સતત સંતોના ચરણમાં રહેવું.

ગુરુકુલના સંતો ગામડે ગામડે ફરી સ્વચ્છતા અભિયાન ચલાવ્યું તે જાણી અત્યંત આનંદ થયો છે. આપણા ગામ, શેરી અને ઘર આભલા જેવા ચોખ્ખા હોવા જોઇએ

  આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યુ હતું કે આટલી મોટી સખ્યામાં ભાવિકો પધાર્યા જોઇ અત્યંત આનંદ થયો છે. ઉત્સવ પરંપરા જીવનમાં સદાચાર, પ્રેમ અને ભક્તિની નિર્મળ ભાવનાઓને પ્રગટાવે છે.

આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી મહેશભાઇ જોષીની આગેવાની નીચે દ્રોણેશ્વર ગુરુકુલ વિદ્યાલયની બાલિકા અને બાળકોએ બહેનોની સભામાં યોગ, રાસ, પરેડ અને નૃત્યના પ્રયોગો કર્યા હતા.

 આ પ્રસંગે પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ જળઝીલણીં મહોત્સવનો મહિમા સમજાવ્યો હતો. અને નવા કેલેંડરનું ઉદ્ઘાટન કર્યુ હતું. ઉત્સવમાં આવેલ તમામ ભકતોને ફરાળ-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઈંટવાયાના કોરાટ ડાયાભાઇએ પોતાની વહાલસોયી દિકરી સ્મિતાને સાખ્યયોગી બહેનની ઉપસ્થિતિમા ગુરુકુલને સમર્પિત કરેલ, ત્યારે સાંખ્યયોગી ભાનુબેને સ્મિતા બહેનને હાર પહેરાવી આશીર્વાદ આપ્યા હતા.

ઉત્સવની તમામ વ્યવસ્થા ભંડારી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામીએ અને કોઠારીશ્રી નરનારાયણદાસજી સ્વામીએ સંભાળી હતી.

                                  

(12:51 pm IST)