Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર તથા ભુજમાં જળઝીલણી એકાદશીની ઉજવણી...

 જળઝીલણી એકાદશીનો મંગલ ઉત્સવ સ્વામિનારાયણબાપા સ્વામીબાપા અને વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાન્નિધ્યમાં ભવ્યતા અને દિવ્યતાસભર ભક્તિભાવથી ઊજવવામાં આવ્યો હતો. શ્રાવણ માસની જેમ ભાદ્ર -  ભાદરવા માસ પણ વ્રતોત્સવનો મહિનો ગણાય છે. ભગવાન અષાઢ સુદી એકાદશીએ પોઢવા પધારે છે અને કારતક સુદી એકાદશીએ જાગ્રત થાય છે. પરંતુ ભાદરવા સુદી એકાદશીએ ભગવાન પડખું બદલી પરિવર્તન કરે છે એટલે એકાદશીને પાર્શ્વ પરિવર્તિની એકાદશી તરીકે ઊજવવામાં આવે છે. તે દિવસે જળઝીલણી ઉત્સવ પરંપરાની છે.

સ્વયં ભગવાન કહે છે કે, “ મારા પોઢવાના દિવસે ( દેવશયની એકાદશી ), મારા ઊઠવાના દિવસે (પ્રબોધિની એકાદશી) ને મારા પડખા ફેરવવાના દિવસે (પરિવર્તિની – જળઝીલણી એકાદશી) – વ્યક્તિ દૂધ, જળ કે ફળ- પત્ર આરોગે છે, તે મારા હૃદયમાં શૂળ ભોંકે છે.” અર્થાત આ ત્રણે એકાદાશીઓ સંપૂર્ણ નિર્જળા કરવી જ જોઈએ.

વિશાળ જળપાત્રમાં હંસ આકારની મનોરમ્ય નૌકામાં શ્રી ઠાકોરજીને પધરાવ્યા હતા. વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજે જળવિહાર કરતા શ્રી ઠાકોરજીનાં દર્શન અને પ્રાર્થના કરી હતી. ભક્તિભાવપૂર્વક શ્રી હરિકૃષ્ણ મહારાજ – શ્રી ઠાકોરજીને જળવિહાર કરાવી રહેલા આચાર્ય સ્વામીજી મહારાજના દર્શને સંતો-ભક્તોનાહૈયે સદાયને માટે દિવ્યતાનાં આંદોલનો પ્રસરાવી દીધાં હતાં. આ પાવન પર્વે સત્સંગની માં સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીનું પદ...

નૌકા મેં ઘનશ્યામ, વિરાજત નૌકા મેં ઘનશ્યામ,

ધ્વજ તોરણ જુત નવ મનોહર, ગાવત ભક્ત વૃંદ...

સૌએ પુષ્પાંજલિ અને આરતી અર્પણનો લાભ લીધો. સમગ્ર વાતાવરણ મંગલમય બની ગયું હતું. શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરની જેમ ભુજ-કચ્છમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરે પણ મહંત સદ્ગુરુ શ્રી સ્વસિદ્ધચરણદાસજી સ્વામી આદિ પૂજનીય સંતો સહ જળઝીલણી એકદાશી અનેરા મહાત્મ્યસભર ઉજવણી કરવામાં આવી હતી.

(12:43 pm IST)