Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણેશ મહોત્સવ અંતિમ ચરણમાં રવિવારે ૧૧ દિવસીય મહોત્સવનો વિરામ : ગામે-ગામે અનેકવિધ કાર્યક્રમોમાં જોડાતા ભાવિકો

પ્રથમ તસ્વીરમાં મોટી પાનેલી, બીજી  અને ત્રીજી તસ્વીરમાં ગોંડલ, ચોથી તસ્વીરમાં ઇશ્વરીયા, પાંચમી - છઠ્ઠી તસ્વીરમાં ધોરાજી, સાતમી તસ્વીરમાં વાંકાનેર, આઠમી તસ્વીરમાં ભાણવડ, નવમી તસ્વીરમાં સુરેન્દ્રનગર અને ૧૦મી તસ્વીરમાં ઇશ્વરીયા (ભાવનગર)માં આયોજીત ગણેશ મહોત્સવની તસ્વીરની ઝલક.(૪૫.૭)

રાજકોટ તા.૨૧ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ૯ દિવસથી ગણેશ ભગવાનની આરાધના સાથે ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ભકિતસભર ઉજવણી કરવામાં આવી રહી છે.

જેમાં ગામે ગામ અનેકવિધ ધાર્મિક - સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે અને ભાવિકો મોટી સંખ્યામાં તેમાં જોડાઇ રહ્યા છે.અનેક જગ્યાએ ૩, પાંચ કે ૧૧ દિવસ સુધી ગણેશજીની મુર્તિઓની સ્થાપના કરવામાં આવી છે અને રવિવારે ગણેશજી મહોત્સવનો વિરામ થશે.

વિંછીયા

વિંછીયા :  એસબીઆઇ બેંક વાળી શેરીમાં અલ્પેશભાઇ સોની દ્વારા ગણેશ સ્થાપન કરાયુ છે. ધામધૂમથી ગણેશ ઉત્સવ ઉજવાય રહ્યો છે. ભગવાન સત્યનારાયણની કથા, પૂજન, આરતી અને મહાપ્રસાદના કાર્યક્રમમાં મોટીસંખ્યામાં ભાવિક ભકતો જોડાયા હતા.

ભાણવડ

ભાણવડ :  હાઇસ્કુલ ચોક ખાતે આવેલા બાલા હનુમાનમંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે આ વખતે પણ ખૂબ ધામધૂમથી અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે અને રોજે રોજ અવનવા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

ગોંડલ

ગોંડલ :  કૈલાશબાગ સોસાયટી અવધ ગૃપ મિત્ર મંડળ ગણેશ ઉત્સવમાં આજે બાળવેશભૂષા સ્પર્ધા યોજાઇ હતી જેમાં સોસાયટીના ભૂલકાઓએ ઇશ્વરીય રૂપ ધારણ કરી સર્વેના મન મોહી લીધા હતા. ગણેશજીની આરતીમાં શહેરના આગેવાન જયદીપસિંહ જાડેજા, સમીરભાઇ કોટડીયા, દિવ્યેશભાઇ સાવલીયા તેમજ ધર્મીલભાઇ પુરોહિત સહિતના આગેવાનો જોડાયા હતા આયોજકો દ્વારા સર્વેને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.

વાંકાનેર

વાંકાનેર :  શહેરમાં અનેક જગ્યાએ દુંદાળા દેવની સ્થાપનાઓ થયેલ જેમાં ઘણા પ કે ૭ દિવસથી પૂજન અર્ચન કરી દુંદાળા દેવને ભારે હૈયે વિદાયો આપી હતી. હજુ ઘણી જગ્યાએ દસ દિવસ માટે ભગવાન શ્રી ગણેશજીની સ્થાપનો થયેલ તે પંડાલોમાં ભકિતભાવ સાથે વિધ્નહર્તાની પૂજા આરતી પ્રસાદના પાવનકાર્યો થઇ રહ્યા છે.વાંકાનેર ગાયત્રીશકિતપીઠ સામે આવેલ ગાયત્રીનગરમાં પણ દર વર્ષે સિધ્ધી વિનાયકની સ્થાપના સંજયભાઇ રાવલ તથા હેમાબેન રાવલ દ્વારા આસ્થાભેર કરાય છે અને સતત દસ દિવસ વિધ્નહર્તા દેવ ગણેશજીના સાનિધ્યમાં સુંદરકાંડના પાઠ, ધુન, રાસ સહિતના કાર્યક્રમો રાખવામાં આવે છે. ગાયત્રીનગરના અગ્રણીઓ કિરીટભાઇ, નરેન્દ્રસિંહ, હરદેવસિંહ ઉપરાંત આ સોસાયટીનુ મહિલા મંડળ અને રહીશો ભકિતભાવ સાથે ગણેશ ઉત્સવ ઉજવે છે.

ગોંડલ

ગોંડલ :  તાલુકાના માંડણકુંડલા ગામની શ્રીનાથગઢ ગામ જતા રસ્તા ઉપર જગદીશભાઇ પારખીયાની વાડી આવેલ છે જયા ખેત મજૂરી કામ કરતા એલીરામભાઇ અને તેના પત્ની જહારીબેન દ્વારા માટીના ગણપતીની સ્થાપના કરાઇ છે. અહીયા કોઇપણ જાતનુ બાહ્ય આડંબર જોવા મળતુ નથી માત્ર શ્રમિકોની દુંદાળા દેવ પ્રત્યેની અનન્ય શ્રધ્ધા આંખે અવશ્ય વળગી જાય છે. દરરોજ સવાર સાંજ શ્રધ્ધાપૂર્વક પૂજન અર્ચન અને રાસ રમવામાં આવી રહ્યા છે.

મોટી પાનેલી

મોટી પાનેલી :  ગામેગામ ધામધૂમપૂર્વક ગણેશ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે પર્યાવરણને ધ્યાનમાં રાખી મોટી પાનેલીના લીમડા ચોકમાં ઇકો ફ્રેન્ડલી ગણેશની મોટી માટીની મુર્તિ બનાવી છે. ગણેશ ઉત્સવમાં મુસ્લિમ યુવકો આસીફ મેર, ઇમ્તિયાઝ ઇસ્માઇલ પણ હોશ પૂર્વક જોડાઇ ઉમદા સહયોગ આપી કોમી એકતાનુ ઉદાહરણ પુરૂ પાડેલ. દરરોજ સવારે વિધિ સર પુજા સાથે સાંજે ભાવપુર્વક આરતી કરાય છે. આરતીમાં ગામ લોકો સાથે માતાઓ બહેનો પણ જોડાઇ ગણપતિબાપાની આરાધના કરે છે. તસ્વીરમાં ગણપતીબાપાને રિઝવતા ભકતો જોવા મળે છે. મહોત્સવમાં વિજય પરમાર, પ્રફુલ ફીનડોરીયા, ભાવેશ તન્ના, ડી.કે.કલોલા, જીજ્ઞેશ દાવડા, પુંજો હુણ, કાનો દરજી વગેરે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

ઇશ્વરીયા

ઇશ્વરીયા :  ઇશ્વરીયા ગામે શિવાલયમાં ઉત્સવ મંડળ દ્વારા ગણેશોત્સવ મનાવાઇ રહ્યો છે. મંગળવારે ગણેશજીને અન્નકુટ ધરાવાયો હતો. દરરોજ સત્સંગ, પૂજા અને આરતીમાં ગ્રામજનો ભાવિકો જોડાતા રહે છે.

(12:20 pm IST)