Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

સૌરાષ્‍ટ્ર-કચ્‍છનાં મધ્‍યાહન ભોજન કર્મચારીઓની હડતાલના મંડાણ

સામાન્‍ય વેતન, નવા મેનુમા વિસંગતતા, એનજીઓને કામગીરી સોંપવાની તજવીજનો વિરોધ

રાજકોટ તા. ર૧ :.. રાજકોટ સહિત રાજયભરના મધ્‍યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માગણીઓ સંદર્ભે આજથી આંદોલનનાં મંડાણ કર્યા છે.

પરિણામે રાજકોટ જિલ્લાના ૧૦ર૮ સહિત રાજયભરના ૩૩,૦૦૦ જેટલા કેન્‍દ્રોમાં ૩પ લાખ જેટલાં બાળકો-વિદ્યાર્થીઓ  ભુખ્‍યા રહે તેવી નોબત આવી છે.

ઓલ ગુજરાત રાજય મધ્‍યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોરચંદ્ર જોષીએ જણાવ્‍યું હતું કે સરકારે તાજેતરમાં નવું મેનુ અમલમાં મૂકયું છે. જેમાં ભોજન અને નાસ્‍તો  એમ બે ભાગ કરાયા છે. નવા મેનુમાં ભોજનમાં થેપલા અને સૂકી ભાજીની વાનગી છે. જેમાં ૧૦૦ ગામ લોટના થેપલા પ ગ્રામ તેલમાં બનાવવાના, ૫૦ ગ્રામ બટેટાની સુકી ભાજી ફકત પ ગ્રામ તેલમાં એક લાભાર્થી માટે બનાવવી અશકય છે. નાસ્‍તામાં ૧૦ ગ્રામ ચણામાંથી ચણાચાટ બનાવવાની છે. જે બાળકોની મશ્‍કરી સમાન છે. તેમાં ૧૦ ગ્રામ ટમેંટા અને ૧૦ ગ્રામ ડુંગળી નાંખવાની છે. આ કામ માટે અમને ચુકવાતી પેશગી રૂા. ૧.૫૫ માંથી ભોજન, નાસ્‍તાનાં શાકભાજી, મરી-મસાલા માટે ખર્ચ અમારે કરવાનો હોય છે.

દળામણ માટે ચુકવાતા પૈસા તદ્દન ઓછો છે, ભોજન અને નાસ્‍તો એમ બંને બનાવવાનું હોવાથી ગેસનો વપરાશ વધી ગયેલ છે. સાથે ગેસના બાટલાનો ભાવ પણ વધી ગયો છે. જુના મેનુમાં ૨૦ ગ્રામ લોટની, જયારે નવા મેનુમાં ૫૦ ગ્રામ લોટની સુખડી બનાવવાની થાય છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મભયોના ખર્ચમાં દર વર્ષે ૭.પ ટકા વધારો કરવાની જોગવાઇ છે. જેનો લાભ છેલ્લાં બે વર્ષથી મળ્‍યો નથી. આ સ્‍થિતિમાં કેન્‍દ્ર કેમ ચલાવવું! ભોજન અને નાસ્‍તા માટે અમારે રોકાઇ રહેવું પડતું હોવાથી અન્‍ય કામગીરીમાં પણ જઇશકતા નથી.

અનાજનો જથ્‍થો અપુરતો હોવાથી, કર્મચારીઓને ૩-૪ વર્ષે માનદ વેતન મળતું હોવાની, મભયોના સંચાલકને મહિને ૧૬૦૦, રસોયા અને મદદનીશને ૧૪૦૦, ૫૦૦ અને ૩૦૦ રૂપિયા ચુકવવામાં આવે છે. આટલી રકમમાં કોઇ કામ કરવા તૈયાર નથી. વળી મભયો કેન્‍દ્રની કામગીરી એનજીઓને સોંપવાની તજવીજ પણ ચાલી રહી છે. જે તમામ મુદ્દે આજે ૨૦મીએ ગાંધીનગર ખાતે બપોરે ધરણા યોજાયા હતા.

ગારીયાધાર

ગારીયાધાર : તાલુકા મધ્‍યાહન ભોજન મંડળ દ્વારા આજથી તમામ મધ્‍યાહન સંચાલકો અચોકકસ મુદતની હડતાલ પાડવામાં આવતા તમામ શાળાના બાળકો ભોજનથી વંચિત બનશે.

છેલ્લા ૧ માસથી ગારીયાધાર તાલુકા મધ્‍યાહન ભોજન મંડળ દ્વારા અનેકવાર સંચાલકોના પગાર વધારા, આપવામાં આવતો જથ્‍થામાં વધારો અને પેશગીની માગણી કરવામાં આવી હતી. જે તમામ માંગણીઓ ન સંતોષવામાં આવતા આજથી ગારીયાધારના તમામ સંચાલકો દ્વારા અચોકકસ મુદતની હડતાલ પાડવામાં આવી રહી છે. આજથી તમામ સંચાલકો હડતાલ પર ઉતરી જતાં સમગ્ર તાલુકાના પ૯ મધ્‍યાહન ભોજન મંડળના ચુલાઓ બંધ રહેશે જેના કારણે તમામ શાળાના બાળકો હડતાલના દિવસો દરમિયાન ભોજનથી વંચીત રહેશે.

(11:57 am IST)