Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં એક દિ'માં ત્રણેય ઋતુનો અનુભવ

રાત્રે - સવારે ઠંડક બાદ આખો દિ' ઉકળાટ સાંજે વરસાદી માહોલ

મેંદરડામાં વરસાદી વાતાવરણ સાથે વરસાદ પડયો હતો. (તસ્‍વીર : ગૌતમ શેઠ, મેંદરડા)

રાજકોટ તા. ૨૧ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં સર્વત્ર મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે અને એક જ દિવસમાં ત્રણેય ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.

રાત્રે અને સવારે ઠંડકનો અનુભવ થયા બાદ આખો દિવસ ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે અને સાંજે વરસાદી માહોલ સાથે હળવો - ભારે વરસાદ વરસી જાય છે.

મેંદરડા

મેંદરડા : કાલે સાંજના સમયે મેઘાવી માહોલ સાથે વરસાદ પડયો હતો જેના કારણે ગણેશ ઉત્‍સવમાં વિવિધ કાર્યક્રમો યોજાયા ન હતા.

વિસાવદર

વિસાવદર : ગઇકાલે બપોરના પાંચ વાગ્‍યેથી વિસાવદર શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં લગભગ બે થી ત્રણ કલાકના ગાળામાં વિજળીના કડાકા ભડાકા સાથે બે થી પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા રોડ-રસ્‍તા પર સર્વત્ર પાણી પાણી થઇ ગઇ ગયુ હતુ અને ખાબોચીયા ભરાયા હતા.

વિસાવદર શહેર ઉપરાંત તાલુકાના ખાંભા, પ્રેમપરા, મોણીયા, લાલપુર, વેકરીયા સહિતના ગામો અને ગીર પંથકમાં વરસાદના વાવડ મળે છે. આંબાજળ-ધાફડ ડેમમાં પાણીની સારી આવક થયાનુ જાણવા મળે છે.

 

(12:38 pm IST)