Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

રાવલમાં હોમ ગાર્ડના બે સેવાભાવી નિવૃત કેડેટોનું ટ્રોફી આપી સન્માન

૭૩માં સ્વાતંત્રય પર્વની ઉજવણી પ્રસંગે

રાવલ તા.૨૧ : સ્વાતંત્ર્ય પર્વ નિમિતે રાવલ હોમગાર્ડઝમાં દિર્ઘકાલીન સેવાઓ આપીને નિવૃત લઇ રહેલા સેકશન લીડર જિતેન્દ્રભાઇ કોટેચા અને દેવરાજભાઇ ડી.સાઇસને બહોળા જન સમુદાયની હાજરીમાં અનેક સંસ્થાઓ અને આગેવાનો દ્વારા વિદાય સન્માન આપી ટ્રોફીઓ અપાઇ હતી.

સ્વાતંત્ર્ય પર્વે રાવલના દરબારગઢમાં યોજાયેલ ધ્વજવંદનના કાર્યક્રમ દરમિયાન સ્વૈચ્છિક નિવૃતિ લઇ રહેલા જિતેન્દ્રભાઇ કોટેચા (અકિલા) અને વય મર્યાદાના કારણે નિવૃતી લઇ રહેલ વૃક્ષપ્રેમી દેવરાજભાઇ સાઇસનું ભવ્ય બહુમાન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમ દરમિયાન રાવલ હોમગાર્ડના કમાન્ડીંગ ઓફીસર યોગેશભાઇ જોશીના હસ્તે સન્માનપત્ર, ગીરીરાજ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ વિનોદભાઇ ગોકાણી તથા રાવલ કેળવણી મંડળના ટ્રસ્ટી પ્રવિણભાઇ લાખાણીના હસ્તે ટ્રોફી એનાયત કરાઇ હતી. રાવલમાં ૧૯૮૫માં વિનોદભાઇ કોટેચા, પ્રવિણભાઇ લાખાણી તથા વિનોદભાઇ ગોકાણી મારફત હોમગાર્ડ યુનિટથી સ્થાપના કરાઇ હતી ત્યારથી આ બંને જવાનો સેવા આપી રહ્યા હતા. રકતદાન કેમ્પ કાયદો વ્યવસ્થાના બંદોબસ્ત, વૃક્ષા રોપણ, કુદરતી આફત સમયે અનેકવિધ સેવાઓ જેવા અનેક સામાજીક પ્રવૃતિઓમાં આ બંને કેડેટોએ આપેલ યોગદાનને વકતાઓએ બિરદાવ્યુ હતુ.

આ પ્રસંગે મુસ્લિમ સમાજ તરફથી હનીફ શેખ, પૂર્વ ફોરેસ્ટ ઓફીસર હાથલીયા, રફીકભાઇ ખોજા સમાજ તરફથી મુખી આશીફભાઇ પુંજાણી, કામડીયા અમીરઅલી આડતીયા, મોચી સમાજ તરફથી શાંતિ પરમાર, રબારી સમાજ તરફથી જેઠાભાઇ રબારી, પુંજાભાઇ ચાવડા, જગદીશભાઇ મોરી, પ્લાટુન કમાન્ડર લખમણભાઇ કાગડીયા, રાવલ ન.પા. તરફથી નારણભાઇ બારીયા, રાવલ લોહાણા મહાજનના અગ્રણી વિઠલભાઇ મશરૂ, બ્રહ્મસમાજના અગ્રણી જીવરાજભાઇ જોશી તથા વિવિધ જ્ઞાતિ અને સમાજના આગેવાનો અને નગરજનોએ બંને જવાનોનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ અને તેમની કામગીરી બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે રાવલ હોમગાર્ડના વિકાસ વિસ્તારમાં રહેલા આર.સી.ખાંટના યોગદાનને પણ યાદ કરવામાં આવ્યુ હતુ.

(11:50 am IST)