Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

વિજયભાઇનાં પ્રવાસ માટે કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં મિટીંગ

આટકોટ : જસદણના કનેસરા ગામે તા.૨૭ના મુખ્યમંત્રીના કાર્યક્રમની આગામી તૈયારીના ભાગરૂપે કનેસરામાં નવા રામદેવપીરના મંદિરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમના આયોજન માટે સભા મળી હતી. જેમાં સૌપ્રથમ સ્વર્ગસ્થ ભારતરત્ન અટલ બિહારી વાજપેયીને બે મિનિટનો મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી. ત્યારબાદ રાજયના કેબિનેટ મીનીસ્ટર કુંવરજીભાઇ બાવળીયા, માજી ધારાસભ્ય ડો.ભરતભાઇ બોઘરા, કોળી ઠાકોર વિકાસ બોર્ડના ચેરમેન ભૂપતભાઇ ડાભી સહિતના ભાજપના ગામે ગામના સરપંચો, જસદણ નગરપાલીકાના વર્તમાન તથા પૂર્વ પાલિકા પ્રમુખ અને ભાજપના આગેવાનો તથા કનેસરા ગામના સરપંચ હસમુખભાઇ હાંડા સહિતના ગ્રામજનો ચાલુ વરસાદમાં હાજર રહ્યા હતા. જયાં આગામી તા. ૨૭ ના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કનેસરા નાની સિંચાઇ યોજના સહિતના અંદાજે રૂ.૧.૧૦ કરોડના વિકાસના કામોના ખાતમુહુર્ત તથા લોકાર્પણના વિકાસના કામોને વેગ મળશે અને આગામી સમયમાં જસદણ - વિંછીયા વિસ્તારમાં પણ અનેકવિધ વિકાસના કામો થશે તેમ કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતુ. સાથોસાથ આગામી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં અંદાજે ૧૫૦૦૦ કરતા પણ વધુ લોકો એકત્ર થશે અને મુખ્યમંત્રીને આવકારશે તેમ અંતમાં તેમણે ઉમેર્યુ હતુ. (તસ્વીર - અહેવાલ : કિરીટ પંચોલી - આટકોટ)(૪૫.૫)

(12:07 pm IST)