Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ગુરૂવારે નરેન્દ્રભાઇ જુનાગઢમાં: એસપીજીના કમાન્ડોનુ આગમન

કલેકટર ડો.સૌરભ પારધી, આઇજી સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં તંત્ર દ્વારા તડામાર તૈયારી

જુનાગઢ તા.૨૧: ગુરૂવારની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મુલાકાતને લઇ જુનાગઢમાં ભારે ધમધમાટ પ્રવર્તે છે

વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદી તા.૨૩ ઓગસ્ટે જુનાગઢ આવી રહ્યા છે તેઓ તેમની મુલાકાત દરમ્યાન જુનાગઢમાં વિવિધ લોકાર્પણ કરશે. વડાપ્રધાનના જુનાગઢ પ્રવાસને આડે ગણતરીના જ દિવસો બાકી હોય વહીવટી અને પોલીસ તંત્ર સહિત સરકારી વિભાગો તૈયારીઓને અંતિમ ઓપ આપી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી મોદીની જુનાગઢ પ્રવાસ દરમ્યાન જરૂરી તમામ સુવિધા જળવાય છે અને પ્રવાસ સંપુર્ણ સફળ રહે તે માટે એ.એસ.એલની ટીમના અધિકારીઓ તેમજ કલેકટર ડો.સૌરભ પારધી સહિતના અધિકારીઓ સતત દોડધામ કરી રહ્યા છે.

વડાપ્રધાન શ્રી મોદી ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા હોય આથી બે ડીઆઇજી સહિતના એસપીજીના કમાન્ડોનો કાફલો જુનાગઢ આવી પહોંચ્યો છે.

નરેન્દ્રભાઇ જયાં જવાના છે ત્યાં સુરક્ષા સહિતની બાબતો જાળવશે અને તેના પર દેખરેખ રાખશે.

શ્રી મોદીની સુક્ષાને લઇ સ્નીફર ડોગ તેમજ બોમ્બ ડીસ્પોઝલ ટીમનો કાફલો પણ ખડેપગે રહેશે.

જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સલામતી ટ્રાફિક નિયમન વગેરે માટે આઇ જી શ્રી સુભાષ ત્રિવેદી દ્વારા ફુલ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

આઇજી શ્રી ત્રિવેદીની દેખરેખ નીચે જૂનાગઢ એસપી.સૌરભ સિંઘ, ગીર સોમનાથના શ્રી રાહુલ ત્રિપાઠી, પોરબંદરના એસ.પી.પૃથ્વીરાજસિંહ ગોહિલ, જોનનગરના એસપી શરદ સિંઘલ, ગાંધીનગર સ્થિત સી.આઇ.ડી. ક્રાઇમના એસ.પી.હરેશ દુધાત, અને રાજકોટ સીટીના એસપી રવિ મોહન ઉપરાંત ૧૫ ડીવાયએસપી, ૨૫ પીઆઇ, ૧૦૦ પીએસઆઇ અને ૧૫૦૦ જવાનો ખડેપગે રહેશે.

બંદોબસ્ત માટે આ કાફલાના મોટા ભાગના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ જૂનાગઢ આવી ગયા હોવાનું જાણવા મળેલ છે.

વડાપ્રધાનના સરકારી કાર્યક્રમ માટે જૂનાગઢ ઉપરાંત રાજકોટ, અમરેલી, જામનગર અને ભાવનગર ડિવીઝનની ૫૦૦ એસટી બસ ફાળવવામાં આવશે.

જેમાં જૂનાગઢ વિભાગમાંથી ૧૦૦ બસ, રાજકોટ-૧૨૫, જામનગર-૭૫, ભાવનગર-૧૦૦ અને અમરેલી ડિવીઝનમાંથી ૧૦૦ એસ.ટી. બસની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે તમામ ડિવીઝનોને સરકારી કાર્યક્રમ માટે સફેદ, ગુલાબી, લીલો, પીળો કલર કોડ મુજબ બસો ફાળવવાની સુચના આપવામાં આવી છે.

(11:35 am IST)