Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

સોરઠમાં જુગારની મોસમ : ૭ મહિલા સહિત ર૪ શખ્સોની ધરપકડ

રોકડ, વાહનો, મોબાઇલ સહિત રૂ. ૩ લાખનો મુદ્દામાલ કબ્જે

જુનાગઢ, તા. ર૧ : સોરઠમાં વરસાદની સાથે જુગારની મોસમ શરૂ થતાં પોલીસે દરોડાની કાર્યવાહી હાથ ધરીને ૭ મહિલા સહિત ર૪ જુગારીને રૂ. ૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

આઇજીપી સુભાષ ત્રિવેદીના આદેશ અને એસ.પી. નિલેશ જાજડીયાની સુચનાથી જુગાર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

જેમાં જુનાગઢ બી-ડીવીઝનના પીએસઆઇ કે.કે. મારૂએ ઝાંઝરડા રોડ સ્થિત રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ પાસે ખુલ્લામાં ચાલતુ જુગારધામ પકડી પાડયું હતું.

અહીની પોલીસે મીનાબેન જીતેન્દ્ર સાંગાણી, માલાબેન છગનલાલ ચૌહાણ, કુસુમબેન અમૃતલાલ ભીમાણી, મંગળાબેન મનસુખ પારેખ, નીમાબેન હંસરાજ મકવાણા, નીતાબેન નરેન્દ્ર ધારૂકીયા અને નીમુબેન છગનભાઇ ચૌહાણ સહિત ૭ મહિલાને રૂ. ૧૦પ૪૦ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લઇ તમામની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ વંથલીના પીએસઆઇ જાડેજા તેમજ સ્ટાફના સુમિત રાઠોડ, દેવાયતભાઇ, મહેશભાઇ, જગદીશભાઇ અને ખીમજીભાઇ વગેરેએ મેઘપુર ગામે દરોડો પાડયો હતો.

અહીંની પોલીસે જાહેરમાં જુગાર રમતા દિપક નાથાલાલ મારૂ, રજનીકાંત જમનાદાસ કેલૈયા, રમેશ કાના આહીર, સુરેશ ધીરજલાલ દરજી, મહેશ લખમણ આહીર, હરસુખ નારણ વાણવી, નીતીન મુંજાભાઇ, ધનસુખ રાઘવ ટાંક, કિશોર ગોવિંદ આહીર, ચંદુ નાનજી પટેલ અને લખમણ હીરા  ચાવડા સહિત ૧૧ જણાને રૂ. ૧પરર૦ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

આ જુગારીઓ પાસેથી પોલીસે રોકડ ઉપરાંત મોબાઇલ અને ૬ વાહનો સહિત કુલ રૂ. ર,૬૯,રર૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(12:58 pm IST)