Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

લીંબડી, લખતર, ચુડામાં વરસાદ વરસતા ભોગાવો નદી બે કાંઠે

વઢવાણ તા.૨૧: સુરેન્દ્રનગર શહેર તેમજ લીંબડી અને ચુડામાં છેલ્લા બે દિવસથી સતત મેઘરાજા એ હેત વરસાવતા ધરતીપુત્રો ખુશ ખુશાલ થઇ ગયાં હતા. સુરેન્દ્રનગરમાં સવારથી ધીમીધારે વરસાદ વરસ્યો હતો જયારે લીંબડી અને ચુડામાં ધોધમાર વરસાદ વરસતા લીંબડીમાં નદી બે કાંઠે પાણી આવ્યાં હતા. પરિણામે પાણશીણા ના ચેકડેમ છલકાતા કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. જિલ્લામાં છેલ્લા બે દિવસમાં સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી અને ચુડા પંથકમાં સારો વરસાદ થયો હતો. સુરેન્દ્રનગર શહેર તેમજ વઢવાણ પંથકના ગામડાઓમાં સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસયો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જયારે સામાન્ય ઝાપટા સ્વરૂપના વરસાદનેલીધે પણ રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

તમામ ચેકડેમો છલકાયાઃ લીંબડી અને ચુડા તાલુકામાં સાંજે ચાર વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી વરસેલા વરસાદ અને ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે લીંબડી ભોગાગો નદીમાં પાણી આવ્યા હતા.

ચુડા તાલુકામાં છેલ્લા ચાર-પાંચ દિવસથી અવિરત વરસાદ થઇ રહયો હોય ખેડૂતો બિયારણ બળી જવાની ભીતિથી ખેડૂતો ચિંતિત બની ગયા છે. કારણ કે ખેતરોમાં પાણી ભરાઇ જતા કયારા સહિતનો પાકો બળી જાય તેવી સ્થિતિ સર્જાઇ છે.

લખતરમાં લાબો સમય મેઘાએ રાહ જોવડાવ્યા બાદ ઘનઘોર ઘેરાયેલા વાદળો વચ્ચે ધોધમાર વરસાદ પડતા ધરતી પુત્રોમાં આનંદની લાગણી જોવા મળી હતી. લખતરમાં ૩૮ મી.મી. વરસાદ પડતા શહેરજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

સુરેન્દ્રનગર પાલિકા દ્વારા શહેરમાં પસાર થતી ભોગાવો નદીના કાંઠે લાખો રૂપિયાના ખર્ચે રિવર ફ્રન્ટ બનાવવામાં આવ્યો છે. પરંતુ પાણીના નિકાલ ની કોઇ વ્યવસ્થા ન કરાતા નવા જ બનાવેલા રસ્તા પર ઠેર-ઠેર પાણીના ખાબોચિયા ભરાઇ ગયા છે. સુરેન્દ્રનગરના દૂધરેજ પાલિકા દ્વારા શહેરના લોકોની સુખાકારી અને ટ્રાફીકની સમસ્યા હળવી કરવા માટે આર્ટસ કોલેજથી મોચી બજાર સુધી લાખો રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ બનાવાયાં છે. પરંતુ રિવરફ્રન્ટ પર વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન હોવાના કારણે માત્ર થોડા જ વરસાદમાં રિવરફ્રન્ટ પર અનેક જગ્યાએ પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાઇ છે.

(12:53 pm IST)