Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

વાંકાનેરના તરકીયામાં મિત્રના ઘરે જમવા ગયેલા રાજકોટના બે યુવાન પર ધોકાવાળી

મયુર વિરડા અને કેવલ ઠક્કર ચોટીલા દર્શન કર્યા બાદ મિત્ર વિજયના ઘરે ગયા'તાઃ વિજય પર ખરાબાના ડખ્ખામાં ભરવાડ શખ્સોએ હુમલો કરતાં બંને વચ્ચે પડ્યા ને ઘવાયા

રાજકોટ તા. ૨૧: રાજકોટના બે મિત્રો લોહાણા યુવાન અને આહિર યુવાન વાંકાનેરના તરકીયા ગામે પોતાના મિત્ર કોળી યુવાનના ઘરે જમવા ગયા ત્યારે કોળી યુવાનને ગામના ભરવાડ શખ્સો સાથે ખરાબા બાબતે મનદુઃખ ચાલતું હોઇ ભરવાડ શખ્સોએ હુમલો કરતાં રાજકોટના આ બંને યુવાનો પણ ઘાયલ થતાં સારવાર માટે દાખલ કરાયા છે.

જાણવા મળ્યા મુજબ જંગલેશ્વર આવાસ યોજના કવાર્ટરમાં રહેતો અને જસાણી કોલેજમાં બીએ કરવા ઉપરાંત આઇટીઆઇનો પણ કોર્ષ કરતો મયુર ભુપતભાઇ વિરડા (આહિર) (ઉ.૨૦) અને તેનો મિત્ર ગોંડલ રોડ ટોયેટોના શો રૂમ પાસે એટલાન્ટીક હાઇટ્સમાં રહેતો તથા હાર્ડવેરનું કારખાનુ ધરાવતો કેવલ બિપીનભાઇ ઠક્કર (લોહાણા) (ઉ.૨૪) ગઇકાલે બાઇક લઇને ચોટીલા દર્શન કરવા ગયા હતાં. ત્યાંથી તરકીયા ગામે રહેતાં મયુરના મિત્ર વિજય કોળીએ બંનેને પોતાના ઘરે જમવા આવવાનું કહેતાં બંને તરકીયા ગયા હતાં.

એ વખતે વિજયને ગામના ભરવાડ શખ્સો સાથે ખરાબાની જમીન બાબતે મનદુઃખ હોઇ તે કારણે માથાકુટ થતાં ભરવાડ શખસોએ ધોકાથી હુમલો કરતાં વિજયના બંને મિત્રો મયુર અને કેવલ વચ્ચે પડતાં તેને બેફામ માર મારવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં તરકીયાના સરપંચ ચંપાબેન પ્રભુદાસ ગાડરીયા દોડી આવ્યા હતાં અને ૧૦૮ બોલાવી બંને ઇજાગ્રસ્તોને પોતે જ રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવા લાવ્યા હતાં. હોસ્પિટલ ચોકીના એએસઆઇ હરેશભાઇ રત્નોતરે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

(11:44 am IST)