Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

સૌરાષ્ટ્ર - કચ્છમાં અસંખ્ય ટ્રકોને બ્રેક : હડતાલ યથાવત

મોરબી ટ્રક એસોસીએશન દ્વારા ચોપાનીયા લગાવાયા : ચોટીલામાં ૩૦૦થી વધુ ટ્રક ચાલકો હડતાલમાં જોડાયા

પ્રથમ તસ્વીરમાં મોરબી અને બીજી તસ્વીરમાં ચોટીલામાં ટ્રક હડતાલ નજરે પડે છે.

રાજકોટ તા. ૨૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ટ્રક ચાલકોની હડતાલ યથાવત છે અને આજે બીજા દિવસે પણ અસંખ્ય ટ્રકોને બ્રેક મારી દેવામાં આવી છે.

મોરબી

મોરબી : અખિલ ભારતીય ટ્રક ટ્રાન્સપોર્ટ એસો દ્વારા તા. ૨૦ થી દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી ટ્રાન્સપોર્ટ એસો પણ જોડાઈ જતા આજથી મોરબીના ૩૦૦૦ થી વધુ ટ્રકોને બ્રેક લાગી ગઈ છે.

અખિલ ભારતીય ટ્રક ટ્રાન્સપોર્ટ એસોના વિવિધ પડતર પ્રશ્નો અંગે સરકારમાં કરેલી રજૂઆત બાદ કોઈ નિવેડો નહિ આવતા શુક્રવારથી દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોએ પણ અગાઉથી સમર્થન જાહેર કરીને હડતાલમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો ઙ્ગજેથી આજથી મોરબીના ૩૦૦૦ થી વધુ ટ્રકોની ગતિ થંભી હતી. મોરબીના ૭૦૦ ટ્રાન્સપોર્ટર હડતાલમાં જોડાઈ જતા ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા હજારો લોકોની રોજગારી પ્રભાવિત થશે તો ટ્રાન્સપોર્ટની હડતાલને પગલે ઉદ્યોગોની માઠી દશા થશે અને માલની હેરફેર અટકી જતા દરરોજ વ્યાપક નુકશાની સહન કરવી પડશે. મોરબીના સિરામિક, ઘડિયાળ સહિતના ઉદ્યોગોનો તૈયાર માલ દરરોજ અન્ય રાજયોમાં જતો હોય છે તો રાજસ્થાન સહિતના વિસ્તારમાંથી રો મટીરીયલ્સના હજારો ટ્રક મોરબી સિરામિક ફેકટરીઓમાં ખાલી થતા હોય છે જોકે ટ્રાન્સપોર્ટ હડતાલને પગલે માલની હેરફેર અટકી જતા સિરામિક સહિતના ઉદ્યોગોને કરોડો રૂપિયાની નુકશાની સહન કરવી પડશે આજથી હડતાલને પગલે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોના સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ અને મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોના પ્રમુખ પ્રભાતભાઈ આહીરની આગેવાનીમાં ટ્રાન્સપોર્ટરોએ ટ્રકમાં હડતાલની સુચના આપતા ચોપાનીયા ચિપકાવી દેવાયા હતા તેમજ માંગણીઓ નહિ સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે તેવો હુંકાર કરાયો છે ત્યારે હવે સરકાર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની માંગ સ્વીકારે છે કે પછી હડતાલ લંબાય છે તે જોવાનું રહ્યું જોકે એક વાત નક્કી છે કે હડતાલ લંબાય તો મોરબી જેવા ઓદ્યોગિક શહેરોનો નુકશાનીનો આંક વધતો જશે.

ચોટીલા

પવિત્ર યાત્રાધામ ચોટીલામાં ટ્રાન્સપોર્ટ વયવશાય સાથે અનેક પરિવારો જોડાયેલ છે, ૩૦૦ થી વધુ સ્થાનિક ટ્રકો આવેલ છે ૨૦ મી થી હડતાલ શરૂ થતા તમામ હડતાલમાં જોડાતા ટ્રકો ને જગ્યા મલે ત્યાં પાર્ક કરેલ છે રાજકોટ એસોસિએશન સાથે ચોટીલા સંકળાયેલ છે હડતાલ થી ચોટીલાનાં પેટ્રોલ પંમ્પનાં ધંધાર્થીઓને આર્થિક નુકશાની મોટી આવે છે એક અંદાજ મુજબ ૩૫ થી ૪૦ હજાર લીટર ડીઝલનું ચોટીલા આસપાસનું વેચાણ છે જેને સીધી અસર પોહચે છે.

સ્થાનિક ટ્રાન્સપોર્ટરોએ એકત્રીત થઈ ચક્કાજામ ને સફળ બનાવવા સંદેશો આપી વિરોધ વ્યકત કરી તેઓની માંગણી વ્યકત કરેલ કેઙ્ગ ડીઝલ ભાવ ઘટાડો, દરેક રાજયમાં સમાન દર અને ત્રિમાસિક ભાવ સમિક્ષા, ટોલ બેરીયર ફ્રી ભારત, થર્ડ પાર્ટી વિમા પ્રિમીયમમાં ઘટાડો પોલીસીમા જીએસટી નાબુદી, ટ્રાન્સપોર્ટનાં ભાડા ઉપર ટીડીએસ ની નાબુદી, ઈન્કમટેકસ અધિનિયમ ધારા ૪૪ ની આવકમાં તર્ક સંગત ધટાડો, ઇ વે બીલમાં પડતી તકલીફની સમિક્ષા, બસો અને ટૂરીસ્ટ વાહાન માટે નેશનલ પરમીટ જેવી માંગણી કરેલ છે.

ચોટીલા પંથકમાં બહારથી આવતા શાકભાજી વધુ ભાડામાં નાના વાહાનમા આવશે જેથી ભાવ વધારો આવશે, યાત્રાધામમાં ટ્રક ભરીને આવતા શ્રીફળની આવક નહી થાય.

(11:43 am IST)