Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

જિયોએ માર્ચ મહિનામાં ગુજરાતમાં ૫.૨૦ લાખ નવા યુઝર્સ મેળવ્યા : ટ્રાઇનો અહેવાલ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૧ : ગુજરાતના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર જિયોએ માર્ચ ૨૦૨૧માં ૫.૨૦ લાખ નવા મોબાઇલ ગ્રાહકો મેળવ્યા છે. ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારા જારી કરવામાં આવેલા માર્ચ ૨૦૨૧ના મોબાઇલ સબસ્ક્રિપ્શનના આંકડાકીય અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત રાજયમાં અને દેશમાં જિયોએ સૌથી મોટા ઓપરેટરનું સ્થાન જાળવી રાખ્યું છે.

ગુજરાતમાં જિયોના ૫.૨૦ લાખ યુઝર્સનો ઉમેરો થતાં ફેબ્રુઆરીમાં તેના કુલ ગ્રાહકો ૨.૫૬ કરોડ હતા તે વધીને માર્ચ મહિનામાં ૨.૬૧ કરોડ થયા છે. આ વૃદ્ઘિ સાથે જિયોનો કસ્ટમર માર્કેટ શેર ૩૭.૬૮ ટકા થયો છે. ઘણા મહિનાઓ બાદ એવું બન્યું છે કે, તમામ ચારેય ટેલિકોમ ઓપરેટર્સે નવા ગ્રાહકોનો ઉમેરો કર્યો હોય. માર્ચ મહિનામાં ગુજરાતમાં કુલ ૮.૧૦ લાખ નવા મોબાઇલ ઉપયોગકર્તા ઉમેરાયા છે. આમ ફેબ્રુઆરી ૨૦૨૧માં ગુજરાતમાં ૬.૮૫ કરોડ કુલ મોબાઇલ ઉપયોગકર્તા હતા તે વધીને માર્ચ મહિનામાં ૬.૯૪ કરોડ થયા છે.

જિયો બાદ વોડાફોન આઇડિયાએ સૌથી વધુ નવા ગ્રાહકો મેળવ્યા છે. તેણે ૧.૭૧ લાખ નવા ઉપયોગકર્તા ઉમેરતાં તેના કુલ ગ્રાહકો ફેબ્રુઆરીમાં ૨.૫૦ કરોડ હતા તે વધીને ૨.૫૨ કરોડ થયા છે. વોડાફોન આઇડિયાનો કસ્ટમર માર્કેટ શેર ૩૬.૨૮ ટકા છે.

રાજયના ત્રીજા સૌથી મોટો ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલે ૧.૧૦ લાખ નવા ગ્રાહકો મેળવતાં તેનો માર્કેટ શેર ૧૭.૪૩ ટકા થયો હતો. એરટેલના ગુજરાતમાં કુલ મોબાઇલ સબસ્ક્રાઇબર ફેબ્રુઆરીમાં ૧.૧૯ કરોડ હતા જે વધીને ૧.૨૦ કરોડ થયા છે.

સરકાર હસ્તકના ટેલિકોમ ઓપરેટર BSNL દ્વારા માર્ચ ૨૦૨૧ના સમયગાળા દરમિયાન ૮૦૦૦ નવા વપરાશકર્તા ઉમેરતાં ફેબ્રુઆરીમાં તેના કુલ ગ્રાહકો ૫૮.૯૮ લાખ હતા તે વધીને ૫૯.૦૬ લાખ થયા છે. આમ તેનો કસ્ટમર માર્કેટ શેર ૮.૫૧ ટકા થયો છે. ટ્રાઇના અહેવાલ મુજબ, સમગ્ર દેશમાં જિયોએ માર્ચ મહિનામાં કુલ ૭૯ લાખ નવા મોબાઇલ ઉપયોગકર્તા મેળવ્યા છે. આમ જિયોએ તેમના નજીકના પ્રતિસ્પર્ધી ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાને મળેલા કુલ નવા વપરાશકર્તા કરતાં પણ વધુ નવા ગ્રાહકો મેળવ્યા છે. ગત મહિનાની સરખામણીએ માર્ચ મહિનામાં ભારતી એરટેલે ૪૦.૫ લાખ નવા વાયરલેસ ગ્રાહકો મેળવ્યા અને વોડાફોને ૧૦.૮ લાખ નવા ગ્રાહકો મેળવ્યા છે.(

(1:30 pm IST)