Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

માગ્યા મેઘ વરસ્યાઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભીમ અગીયારસનું મુહુર્ત સાચવતા મેઘરાજા

અનેક જગ્યાએ ગઇકાલ સુધીમાં ઝાપટાથી માંડીને ધોધમાર વરસાદ વરસતા ખેડુતો વાવણીકાર્યમાં વ્યસ્તઃ જો કે હજુ અનેક વિસ્તારોમાં વરસાદની રાહ : અમરેલી ઝાપટાઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારથી વરસાદનું જોર ઘટયુ :સવારથી ધુપ-છાંવનો માહોલ યથાવતઃ જો કે ઠંડા પવનની અસરમાં વધારો

ઉપરની પ્રથમ તસ્વીરોમાં ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો-વાડીમાં વરસાદી પાણી, પાટીદડમાં વાવણી કાર્ય, માળીયા હાટીના પંથકમાં વાવણીકાર્ય થતુ નજરે પડે છે. નીચેની તસ્વીરોમાં આમરણ ચોવીસી પંથકમાં વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી) (ગોંડલ) મહેશ કાનાબાર (માળીયા હાટીના) મહેશ પંડયા (આમરણ)

રાજકોટ, તા., ૨૧: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં માગ્યા મેઘ વરસતા ખેડુતો વાવણી કાર્યમાં વ્યસ્ત થયા છે. આજે ભીમ અગીયારસને વાવણી કાર્ય માટે શુભ મુહુર્ત  માનવામાં આવે છે. જેથી અનેક જગ્યાએ વાવણીલાયક વરસાદ વરસતા ખેડુતો વાવણીકાર્યના વ્યસ્ત થઇ ગયા છે.

જો કે હજુ અનેક વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઇ રહી છે. ગઇકાલ સુધીમાં અનેક જગ્યાએ ઝાપટાથી માંડીને ધોધમાર વરસાદ વરસ્યો હતો.

અનેક જગ્યાએ વાવણીલાયક વરસાદ થવાને કારણે ખેડુતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને મોટા ભાગના ધરતીપુત્રોએ ખેતરમાં બળદગાડુ અને સાતી પરંપરાગત રીતે જોડી શ્રીફળ વધેરી કંકુથી બળદનું પુજન કરી મીઠા મોઢા કરાવી ગોળ-ધાણા ધરીને વાવણીકાર્ય શરૂ કરેલ હતું. જો કે આજના આધુનીક યુગમાં પણ અનેક ખેડુતો દ્વારા ટ્રેકટર અને બીજા મશીનોનો ઉપયોગ તો કરે છે પણ અમુક ખેડુતો પરંપરાને વળગી રહયા છે.

આમરણ

(મહેશ પંડયા દ્વારા) આમરણઃ આમરણ ચોવીસી પંથકમાં આજે બપોરે બે કલાકમાં ૩ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી જતા લોકોમાં અને ખેડુત વર્ગમાં આનંદની લાગણી ફેલાઇ છે. ખેતરો પાણીથી છલોછલ ભરાઇ ગયા છે. કિસાનો વાવણીની તૈયારીમાં લાગી ગયા છે. આમરણ તેમજ ધુળકોટ, બાદનપર, જીવાપર, કેરાળી, ખારચીયા વગેરે ગામોમાં ર ઇંચ જેટલો વરસાદ થયો છે. જયારે બેલા-ઉટબેટ શામપર-ફડસર વગેરે દરીયા કાંઠાળ ગામોમાં ૩ ઇંચ વરસાદ પડી ગયાનું જાણવા મળે છે. બસ સ્ટેશન વિસ્તારમાં બે ફુટ જેટલા પાણી ભરાયા છે. મોસમનો પ્રથમ વરસાદ વાવણીજોગો વરસી જતા ખુશીની લાગણી ફેલાઇ છે. લાંબા ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ મોરબી જીલ્લામાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. રવિવારે પણ મોરબી જીલ્લાના ટંકારા, માળીયા અને વાંકાનેર પંથકમાં એક એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો તો મોરબી અને હળવદમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે.

મોરબી જીલ્લામાં રવિવારે પણ સારો વાવણીલાયક વરસાદ નોંધાયો છે. જેમાં રવિવારે સવારે ૬ થી સાંજે ૪ વાગ્યા સુધીમાં ટંકારા તાલુકામાં ૩૩ મી.મી. માળીયા તાલુકામાં ૩ર મીમી અને વાંકાનેર તાલુકામાં ૩૧ મીમી વરસાદ વરસ્યો છે. જયારે હળવદ તાલુકામાાં ૦૬ મીમી વરસાદ નોંધાયો છે. આજે પણ વરસાદને પગલે વાંકાનેરના અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઇ હતી.

માળીયાહાટીના

(મહેશ કાનાબાર દ્વારા) માળીયા હાટીનાઃ માળીયા હાટીના અને તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં ગઇ કાલે બે થી ચાર ઇંચ જેટલો વરસાદ થઇ ગયો. વાવણીલાયક વરસાદ થતા ખેડુતો ખુશ ખુશાલ જોવા મળે છે. સમગ્ર તાલુકામાં વાવણી લાયક વરસાદ પડયાના વાવડ મળે છે. આજે સવારથી જ વરાપ નીકળી છે. મોટાભાગના ધરતી પુત્રોએ ખેતરમાં બળદ ગાડુ હાતી જોડી શ્રી ફળ વધારો કંકુથી બળદ હાતીનું પુજન કરી મીઠા મોઢા કરી, ગોળ-ધાણા ધરીને ખેડુતોએ વાવણી શરૂ કરી દીધી છે. અબીલ, ગુલાલ, કંકુ, ચોખા ખેતરોમાં પધરાવ્યા છે. આમ શાસ્ત્રોકત વિધિથી ધરતી પુત્રોએ વાવણી શરૂ કરી દીધી છે.

(11:25 am IST)