Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

અમરેલીમાં ભારે વરસાદથી સ્થાનિક નદીઓમાં પુર

પરવાસના ગામો ભૂખલી સાથળી, બરવાળામાં પૂર : અમરેલીના વડિયા, મોરવાડા, બરવાળા બાવળ, હનુમાન ખીજડિયા સહિતના ગામોમાં જોરદાર વરસાદ તૂટી પડ્યો

અમરેલી, તા. ૨૦ : અમરેલીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ત્યારે ધોધમાર વરસાદથી અમરેલીમાં વડીયાના બાટવા દેવળી ગામે નદીમાં સ્થાનિક નદીમા પૂર આવ્યું છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ તૂટી પડતા નદીમાં પૂરની સ્થિતિ ઉદભવી છે. ઉપરવાસના ગામો ભૂખલી સાથળી, બરવાળામાં વરસાદ પડતા નદીમાં પૂર આવ્યું છે.

અમરેલીના લાઠી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જેથી લોકોએ વાવણીનું કામ શરૂ કર્યું છે. વાવણી બાદ વરસાદથી ખેડૂતોને ફાયદો થશે.

અમરેલીના વડિયા શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. પવન સાથે સવારથી જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. સવારથી છૂટો છવાયો ઝરમર વરસાદ શરૂ હતો, પરંતુ બાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અમરેલીના વડિયા, મોરવાડા, બરવાળા બાવળ, હનુમાન ખીજડિયા સહિતના ગામોમાં વરસાદ તૂટી પડ્યો હતો.

વડિયા કુંકાવાવ પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે. સવારથી જ અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે. જેથી વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ છે. અમરેલીના બાબરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હાલ દરેડ, ખાખરીયા, ચમારડી, વાવડી, ઈંગોરાળા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શહેર તેમજ પંથકના મોટાભાગના ગામડાઓમાં વાવણી થઈ ચૂકી છે. વાવણી ઉપર સારો વરસાદથી જગતનો તાત ખુશ થયા છે.

(9:32 pm IST)