Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ઉપસરપંચની અંતિમ યાત્રામાં હજારો ગ્રામજનો ઉમટી પડ્યા

શાંતિપૂર્ણ માહોલ વચ્ચે અંતિમવિધિ સંપન્ન: જાળીલાના ઉપસરપંચની હત્યાને લઇ રાજકારણ ગરમાયુ પરિવારજનો અને ગ્રામજનમાં રોષ ઃ પોલીસ તપાસ જારી

બોટાદ,તા.૨૧: બોટાદના રાણપુર તાલુકાના જાળીલા ગામના ઉપસરપંચની હત્યાના ચકચારભર્યા પ્રકરણમાં આજે મૃતક ઉપસરંપચની શાંતિપૂર્ણ અને ઉત્તેજનાભર્યા માહોલમાં અંતિમ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. સ્વ.ઉપસરપંચની સ્મશાનયાત્રામાં આજે હજારો ગ્રામજનો સ્વયંભુ જોડાયા હતા, જેમાં મહિલાઓ અને યુવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. બીજીબાજુ, દલિત ઉપસરપંચની હત્યાને લઇ સરકાર અને પોલીસ અધિકારીઓ દ્વારા પરિવારજનોની માંગણીઓ નહી સ્વીકારાતા હવે આ સમગ્ર હત્યાકાંડને લઇ રાજકારણ બહુ જોરદાર રીતે ગરમાયું છે. ચકચારભર્યા આ હત્યાકાંડ કેસમાં પોલીસે ગઇકાલે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરતાં અત્યાર સુધીમાં કુલ આઠ આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે. જો કે, બીજીબાજુ, ઉપસરપંચની હત્યાને લઇ પરિવારજનો અને ગ્રામજનોમાં ભારોભાર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામના ઉપસરપંચ મનજી સોલંકીની સરેઆમ હત્યાને લઇને દલિત આગેવાનો અને સમાજ કલ્યાણ ખાતાના અધિકારીઓ સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર, જેસીપી અમિત વિશ્વકર્મા, ડીસીપી નીરજ બડગુજર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. બેઠકમાં પરિવારજનો દ્વારા કરવામાં આવેલી છ માગણીઓને લઇને ચર્ચા વિચારણા અને બેઠકોનો દોર ચાલ્યો હતો.  પરિવારજનોએ માંગ કરી છે કે, પરિવારને સુરક્ષા આપવામાં આવે, હથિયાર રાખવાનો પરવાનો આપવામાં આવે, કેસની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવે, સુરક્ષા પાછી ખેંચનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવે, પસંદગીના સરકારી વકીલ રાખવા દેવામાં આવે તેમજ અગાઉના બોટાદમાં ચાલી રહેલા કેસોની ડે ટૂ ડે તપાસ થાય તે માટે કેસોની અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવે આ છ માંગો સાથે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ સરકાર અને પોલીસ અધિકારીઓના પ્રયાસ અને ચર્ચા વિચારણા બાદ પણ માંગણીઓ સંતોષાઇ ન હતી, જેને લઇ પરિવારજનોમાં ઉગ્ર આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. આજે સ્વ.ઉપસરપંચની અંતિમયાત્રામાં જોડાયેલા લોકોમાં સરકાર અને તંત્ર પરત્વે રોષ સ્પષ્ટ જોવા મળતો હતો.

(9:35 pm IST)